અભિષેક-વૈભવનું રન-તાંડવ, પાવરપ્લેમાં ભારતના 118 રનનો ઐતિહાસિક રેકોર્ડ

માત્ર 2.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર; અભિષેક શર્માની 35 બોલમાં સદી અને વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગથી ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરીને મેદાન પર રનનો વરસાદ વરસાવ્યો હતો. બંનેની તોફાની શરૂઆતને કારણે ભારતે પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં જ 118 રન ફટકાર્યા હતા, જે ટી-20 ક્રિકેટના પાવરપ્લેમાં ઐતિહાસિક પ્રદર્શન તરીકે નોંધાયું હતું.

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 198 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સેઇફર્ટ માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ એલને 25 બોલમાં 40 રન ફટકારીને ઇનિંગ્સને વેગ આપ્યો હતો. ગ્લેન ફિલિપ્સે 17 રન બનાવ્યા હતા, જ્યારે ડેરિલ મિચેલે 52 બોલમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા હતા. જેકબે પણ 23 બોલમાં અણનમ 39 રન ફટકારીને ટીમનો સ્કોર 198 સુધી પહોંચાડ્યો હતો.

199 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ ન્યૂઝીલેન્ડના બોલરો સામે આક્રમક વલણ અપનાવીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. ભારતીય ટીમે માત્ર 2.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરીને ઝડપી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.

પાંચ ઓવરના અંતે ભારતે 110 રન બનાવી લીધા હતા. આ તબક્કે અભિષેક શર્માના નામે 67 રન અને વૈભવના નામે 26 રન હતા. ત્યારબાદ પાવરપ્લેની છ ઓવરમાં ભારતનો સ્કોર 118 રન સુધી પહોંચ્યો હતો, જેના કારણે ન્યૂઝીલેન્ડના બોલરો પર ભારે દબાણ સર્જાયું હતું.

વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 45 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ થયો હતો. વૈભવ આઉટ થયા બાદ પણ અભિષેક શર્માની આક્રમક બેટિંગ અટકી નહોતી. તેણે માત્ર 35 બોલમાં સદી પૂરી કરીને પોતાની વિસ્ફોટક બેટિંગનો પરચો આપ્યો હતો. તેની ઇનિંગ્સમાં 10 છગ્ગા અને આઠ ચોગ્ગાનો સમાવેશ થયો હતો.

અભિષેક અને વૈભવની આક્રમક શરૂઆતથી ભારતે લક્ષ્યાંક તરફ મજબૂત કૂચ કરી હતી. બંને ઓપનરોની બેટિંગે મેચમાં રોમાંચ વધાર્યો હતો અને ટી-20 ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન મોટા સ્કોરનો નવો માપદંડ સ્થાપિત કર્યો હતો.

Leave a Comment

और पढ़ें