ચક્રવાત ‘અર્નબ’ 28મીએ આંધ્રના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

115થી 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, બચાવ ટુકડીઓ તૈનાત

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અર્નબ’ વધુ તીવ્ર બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 115થી 125 કિમી પ્રતિ કલાક રહેવાની અને ઝટકાની ઝડપ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ચક્રવાતની અસર આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ, બિહાર અને પૂર્વ ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની શક્યતાને પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

શૈક્ષણિક સંસ્થાઓ બંધ, ટ્રેનો પર અસર

ચક્રવાતને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા રેલવે સેવાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બચાવ કામગીરી માટે NDRFની ટીમો તૈયાર

આંધ્રપ્રદેશ સહિત અસરગ્રસ્ત રાજ્યોમાં વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી માટે તૈયારી શરૂ કરી છે. NDRF અને SDRFની ટીમોને તૈનાત રાખવામાં આવી છે તથા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ચક્રવાતની દિશા અને તીવ્રતામાં ફેરફાર થઈ શકે હોવાથી લોકોને હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें