મુંબઈમાં સિગ્નલિંગ રૂમમાં આગથી લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાયો, 80 ટ્રેનો રદ

મુલુંડ–ઠાણે વચ્ચે વીજવાયરમાં ખામીથી પણ મુશ્કેલી; રેલવે ટ્રેક પરથી ત્રણ મૃતદેહો મળતાં ચકચાર

મુંબઈમાં કાંજુરમાર્ગ સ્ટેશનના સિગ્નલિંગ રિલે રૂમમાં આગ અને મુલુંડ–ઠાણે વચ્ચે ઓવરહેડ વીજવાયરમાં ખામીને કારણે સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આના પગલે 80 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે અનેક ટ્રેનો 60થી 90 મિનિટ મોડી દોડતાં લાખો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રેનો મોડી પડતાં સ્ટેશનો પર અને લોકલ ટ્રેનોમાં ભારે ભીડ જામી હતી. લાંબા સમય સુધી ટ્રેનો અટવાઈ રહેતાં કેટલાક મુસાફરો ટ્રેક પર ચાલીને નજીકનાં સ્ટેશનો તરફ જવા નીકળ્યા હતા. મુસાફર સંગઠનોએ રેલવેની જાળવણી વ્યવસ્થા અને સમયસર માહિતી ન મળવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

આ દરમિયાન ભાંડુપ સ્ટેશન નજીક ટ્રેક ઓળંગતી વખતે 21 વર્ષીય સાહિલ થિટેનું એસી લોકલ ટ્રેનની અડફેટે આવતાં મોત થયું હતું. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે પણ બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવતાં રેલવે પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસે મુસાફરોને ટ્રેક પર અનધિકૃત રીતે અવરજવર ન કરવા અપીલ કરી હતી.

સિગ્નલિંગ રૂમમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા રેલવે દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. રેલવે તંત્રે બપોર બાદ સેવાઓ પુનઃ શરૂ કરવાની અને સાંજ સુધીમાં તબક્કાવાર ટ્રેન વ્યવહાર સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવાની માહિતી આપી હતી.

Leave a Comment

और पढ़ें