મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત; દર્શન માટે જઈ રહેલા પાંચ મિત્રો પૈકી ચારનાં મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના લેબડ-નયાગાંવ માર્ગ પર રવિવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાદલપુર અને ખેરોદ વચ્ચે પુલિયા પર ડિવાઈડર સાથે ડિઝાયર કાર અથડાતાં કારમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કારમાં ફસાયેલા ચાર યુવકોનાં જીવતા સળગી જવાથી મોત થયાં હતાં, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મળતી માહિતી મુજબ, પાંચ મિત્રો સાગૌરથી સાંવરિયા શેઠનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યે કાર પુલિયા પાસેના ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું એન્જિન બહાર ફેંકાઈ ગયું હતું અને કાર પુલિયા નીચે પટકાઈ હતી. ત્યારબાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી.
અકસ્મતમાં એક યુવક કારમાંથી બહાર ફેંકાઈ ગયો હતો, જ્યારે અન્ય ચાર યુવકો કારની અંદર ફસાઈ ગયા હતા. આગ ઝડપથી ફેલાતાં ચારેય યુવકોને બહાર કાઢી શકાયા નહોતા અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં 112ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ચારેય મૃતદેહોને ધાર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ત્રણ યુવકોની અંતિમયાત્રા એકસાથે નીકળતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.









