રાજકોટમાં દેવું ચૂકવવા ડિલિવરી બોયની કરતૂત: રૂ. 12.56 લાખનાં પાર્સલ લઈ ફરાર, પોલીસના હાથે ઝડપાયો

ફ્લિપકાર્ટના 100 પાર્સલમાંથી માત્ર 6ની જ ડિલિવરી કરી; પોતાના અને મિત્રોના નામે મોંઘી વસ્તુઓ મંગાવી પાર્સલ સગેવગે કર્યાનો ખુલાસો, રૂ. 12.05 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટના મુંજકા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી લાખોની કિંમતનાં પાર્સલ લઈને ફરાર થયેલા ડિલિવરી બોયને LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી મિહિર વાઘેલા રૂ. 12.56 લાખની કિંમતનાં 100 પાર્સલ ડિલિવરી માટે લઈને નીકળ્યો હતો, પરંતુ તેમાંથી માત્ર છ પાર્સલની ડિલિવરી કરી બાકીનાં 94 પાર્સલ સાથે ગાયબ થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 12.05 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પાંચ લાખનું દેવું થતાં ચોરીનું કાવતરું ઘડ્યું

પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ, આરોપી મિહિર રમેશ વાઘેલા (ઉં.વ. 24)ને આશરે પાંચ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે કથિત રીતે મોંઘા મોબાઇલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ પોતાના તેમજ મિત્રોના નામે અલગ-અલગ સરનામાં પર મંગાવી હતી. આ સરનામાં તેના ડિલિવરી રૂટમાં આવતાં હોવાથી તેણે વેરહાઉસમાંથી પાર્સલ મેળવી લીધાં હતાં અને બાદમાં તેની ડિલિવરી કરવાને બદલે પાર્સલ સગેવગે કરી દીધાં હતાં.

છ પાર્સલ પહોંચાડ્યાં, બાકીનાં લઈને ગાયબ

ગત તા. 11ના રોજ આરોપી મુંજકા સ્થિત ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી 100 પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળ્યો હતો. જોકે, છ પાર્સલની ડિલિવરી કર્યા બાદ તેણે બાકીનાં 94 પાર્સલ પોતાની પાસે રાખી લીધાં હતાં. ત્યારબાદ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી તે ફરાર થઈ ગયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

અટલ સરોવર નજીકથી ધરપકડ

પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પોલીસ અને LCB ઝોન-2ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માહિતીના આધારે તપાસ કરતાં આરોપી મિહિર વાઘેલા અટલ સરોવર નજીક બજરંગ ચોક પાસેથી મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને રૂ. 12.05 લાખની કિંમતનાં અલગ-અલગ પાર્સલ કબજે કર્યાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર, દેવું ચૂકવવા માટે આરોપીએ ડિલિવરીની કામગીરીનો ગેરલાભ લઈને આ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें