રાવલમાં રહેણાંક મકાનમાંથી રૂ. 4.16 લાખના ફટાકડા જપ્ત, વેપારી સામે ગુનો નોંધાયો

ફાયર સેફ્ટીની વ્યવસ્થા વિના ફટાકડાનો સંગ્રહ કરાયો હોવાનો ખુલાસો; કલ્યાણપુર પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકાઃ દિવાળીના તહેવાર પૂર્વે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં પોલીસે કાર્યવાહી કરીને રહેણાંક મકાનમાંથી રૂ. 4,16,578ની કિંમતના ફટાકડા જપ્ત કર્યા છે. જરૂરી મંજૂરી અને સુરક્ષાનાં સાધનો વિના ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરવાના મામલે પોલીસે વેપારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાની ટીમે રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કાપડનો વેપાર કરતા જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે સંજય લખમણભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાંથી ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મકાનમાં ફાયર સેફ્ટી સહિતની જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. રહેણાંક વિસ્તારમાં આ રીતે ફટાકડાનો સંગ્રહ કરવાથી આગ કે અન્ય દુર્ઘટનાનું જોખમ ઊભું થઈ શકે તેવી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.

આ મામલે વેપારી વિરુદ્ધ સ્ફોટક અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ પ્રકરણમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें