રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી છે. પુતિને કહ્યું કે મોદી એવા વિશ્વ નેતાઓમાં સામેલ છે, જે રશિયા સાથેના સારા સંબંધો હોવા છતાં દરેક મુલાકાત દરમિયાન યુક્રેન સંઘર્ષનો અંત લાવવાનો મુદ્દો ઉઠાવે છે.
પુતિનના જણાવ્યા મુજબ, PM મોદીને સંઘર્ષ સમાપ્ત કરવામાં ઊંડો રસ છે અને તેમણે બંને પક્ષોને સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે “ખૂબ સારા આઈડિયા” આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મોદી આ મામલે તટસ્થ વલણ ધરાવે છે અને સંવાદ તથા શાંતિપૂર્ણ ઉકેલના પક્ષમાં છે. પુતિને મોદીના પ્રયાસો અને શાંતિ માટેની ઈચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ અગાઉ ઓગસ્ટમાં રશિયન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે ભારત તમામ શાંતિ પ્રયાસોને સમર્થન આપે છે અને યુદ્ધનો અંત લાવી શાંતિ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવું જરૂરી છે. મોદીએ ભારતના બંને પક્ષો સાથેના સંબંધોનો ઉપયોગ શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસોને મજબૂત કરવા માટે કરવાની તૈયારી પણ વ્યક્ત કરી હતી.








