મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સમૃદ્ધિ મહામાર્ગ પર ધામણગાંવ રેલવે નજીક ચેનલ નંબર 97 પાસે ટ્રક અને ટેમ્પો પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિકઅપમાં સવાર 7 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, પિકઅપમાં સવાર શ્રદ્ધાળુઓ શેગાંવથી માતાજીની મૂર્તિ લઈને વર્ધા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે પિકઅપની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે પિકઅપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કેટલાક મુસાફરો વાહનમાં ફસાઈ ગયા હતા.
અકસ્માટ બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધામણગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમરાવતી ગ્રામીણ એસપી નિકેતન કદમે જણાવ્યું હતું કે 19 ઈજાગ્રસ્તોમાંથી 3થી 4 લોકોની હાલત ગંભીર છે, જ્યારે અન્ય 14થી 15 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
અકસ્માટની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.








