ગાંધી જયંતિએ રાજઘાટ ખાતે બાપુને નમન: PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

દેશભરમાં આજે મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના રાજઘાટ ખાતે યોજાયેલા વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાપુની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાજઘાટ ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા, સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, દિલ્હીના ઉપરાજ્યપાલ તારણજીત સિંહ સંધૂ, દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નેતાઓએ મહાત્મા ગાંધીના આદર્શો અને તેમના સ્વદેશી, સ્વાવલંબન તથા આત્મનિર્ભરતાના સંદેશને યાદ કર્યો હતો. વિવિધ સંદેશાઓમાં ગાંધીજીના વિચારો આજે પણ શાંતિ, માનવતા અને કલ્યાણ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવાયું હતું.

લાલબહાદુર શાસ્ત્રી જયંતિએ વિજયઘાટ પર શ્રદ્ધાંજલિ

ગાંધી જયંતિની સાથે આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ ઉજવાઈ રહી છે. નવી દિલ્હીના વિજયઘાટ ખાતે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે શાસ્ત્રીજીના સાદગીભર્યા જીવન, સાહસ અને ‘જય જવાન, જય કિસાન’ના પ્રેરણાદાયી નારાને યાદ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને પણ શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें