ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર હજુ મડાગાંઠ: અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે કહ્યું- સમજુતીમાં વિઘ્નો યથાવત

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર સમજુતીની વાટાઘાટોમાં હજુ સુધી કોઈ નક્કર સફળતા મળી નથી. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ ફરી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે અને તેઓ લગભગ એક સપ્તાહ સુધી ત્યાં રોકાઈ બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટોને આગળ વધારવાના પ્રયાસ કરશે.

અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને હજુ પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર મતભેદ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે સંકેત આપ્યો કે હાલના તબક્કે ઝડપથી વેપાર સમજુતી થઈ જાય તેવી શક્યતા ઓછી છે.

અમેરિકામાં જી-20 દેશોના વેપાર મંત્રીઓની બેઠક દરમિયાન ગ્રીરે પિયૂષ ગોયલની હાજરીમાં આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ફોન પર ચર્ચા કરે તો વેપાર સમજુતી તરફ આગળ વધવામાં મદદ મળી શકે છે.

પિયૂષ ગોયલે ગ્રીર સાથે મુલાકાત કર્યા બાદ તેમના આ નિવેદનો સામે આવ્યા છે. બીજી તરફ, બુધવારે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બંને દેશોના નેતાઓ અને અધિકારીઓ વેપાર સમજુતી માટે પ્રયાસો કરી રહ્યા હોવા છતાં હાલમાં ડીલને લઈને સ્પષ્ટ સફળતાના સંકેતો મળ્યા નથી.

Leave a Comment

और पढ़ें