1 એપ્રિલ 2027થી અમલમાં આવશે નવા ધોરણો

સરકારના નવા CAFE-3 નિયમો જાહેર: EVને 3 ગણો સુપર ક્રેડિટ, કાર કંપનીઓ માટે બદલાશે ફ્યુઅલ-એમિશન ગણતરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પેસેન્જર વાહનો માટે **CAFE-3 (Corporate Average Fuel Economy)**ના નવા નિયમોની સત્તાવાર જાહેરાત કરી છે. નવા ધોરણો 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે અને 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે. તેનો મુખ્ય ઉદ્દેશ વાહનોના ઇંધણ વપરાશમાં કાર્યક્ષમતા વધારવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે.

EVને મળશે 3 ગણો સુપર ક્રેડિટ

નવા નિયમોમાં ઇલેક્ટ્રિક વાહનોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. CAFEની ગણતરી દરમિયાન એક બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV)ને ત્રણ વાહન જેટલો સુપર ક્રેડિટ આપવામાં આવશે.

આ ઉપરાંત પ્લગ-ઇન હાઇબ્રિડને 2.5 ગણો, સ્ટ્રોંગ હાઇબ્રિડને 1.6 ગણો અને ફ્લેક્સ-ફ્યુઅલ ઇથેનોલ વાહનોને 1.1 ગણો ક્રેડિટ મળશે. આ વ્યવસ્થાનો હેતુ ઉત્પાદકોને ઓછા ઉત્સર્જનવાળા અને વૈકલ્પિક ઈંધણ આધારિત વાહનો તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

ક્રેડિટ મેળવીને અન્ય કંપનીને વેચી શકાશે

નવા નિયમો હેઠળ કાર ઉત્પાદકોને પોતાના સમગ્ર વાહન પોર્ટફોલિયોના સરેરાશ ઇંધણ વપરાશ અને ઉત્સર્જનને નિર્ધારિત ધોરણોની અંદર રાખવું પડશે. લક્ષ્યાંક કરતાં વધુ સારી કામગીરી કરનાર કંપનીને ક્રેડિટ મળશે, જ્યારે લક્ષ્યાંક પૂર્ણ ન કરનાર કંપની પર ડેબિટ આવશે.

ક્રેડિટ ધરાવતી કંપની તેને અન્ય ઉત્પાદકોને વેચી શકશે. આ રીતે CAFE નિયમોમાં ક્રેડિટ ટ્રેડિંગની વ્યવસ્થા પણ રહેશે.

ઇથેનોલ અને અન્ય વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન

સરકારે બાયોફ્યુઅલ અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ માટે કાર્બન ન્યુટ્રાલિટી ફેક્ટર પણ નક્કી કર્યા છે. E20 અથવા તેનાથી વધુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તથા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે અલગ કાર્બન ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. CNG/CBG આધારિત વાહનોને પણ નિર્ધારિત માપદંડ મુજબ રાહત મળશે.

12 ટેક્નોલોજી માટે વધારાનો લાભ

વાહનોમાં ઇંધણ બચત અને કાર્યક્ષમતા વધારતી ટેક્નોલોજી અપનાવતી કંપનીઓને પણ વધારાના ક્રેડિટનો લાભ મળી શકશે. તેમાં ઓટો સ્ટાર્ટ-સ્ટોપ, ટાયર પ્રેશર મોનિટરિંગ, રિજનરેટિવ બ્રેકિંગ, 6 કે તેથી વધુ ગિયરવાળું ટ્રાન્સમિશન, LED લાઇટિંગ, એડવાન્સ એર કન્ડિશનિંગ અને સોલર-રિફ્લેક્ટિવ પેઇન્ટ સહિતની ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.

પાંચ વર્ષને બે બ્લોકમાં વહેંચવામાં આવ્યા

CAFE-3ના પાંચ વર્ષના સમયગાળાને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કો 2027-28થી 2029-30 સુધી ત્રણ વર્ષનો રહેશે, જ્યારે બીજો તબક્કો 2030-31થી 2031-32 સુધી બે વર્ષનો રહેશે.

જો કોઈ કંપની પાસે પોતાના ડેબિટને સરભર કરવા માટે પૂરતી ક્રેડિટ નહીં હોય, તો નિર્ધારિત કિંમત ચૂકવીને BEE પાસેથી ક્રેડિટ ખરીદી શકશે. આ ક્રેડિટની કિંમત દર વર્ષે વધતી રહેશે.

MIDC અને WLTP ટેસ્ટના આંકડા આપવા પડશે

કાર ઉત્પાદકોએ દર વર્ષે પોતાના દરેક મોડેલના CO2 ઉત્સર્જન અને ઇંધણ કાર્યક્ષમતાના આંકડા MIDC અને WLTP બંને ટેસ્ટિંગ પદ્ધતિ મુજબ રજૂ કરવા પડશે. સાથે રાજ્યવાર વેચાણના આંકડા પણ આપવાના રહેશે.

ક્રેડિટની ગણતરી, સરખામણી અને ટ્રેડિંગ માટે દર વર્ષે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી 30 દિવસની વિન્ડો આપવામાં આવશે.

નાના ઉત્પાદકોને રાહત

CAFE-3માં નાના કાર ઉત્પાદકો માટે પણ વિશેષ રાહત રાખવામાં આવી છે. જે કંપનીઓ સમગ્ર વર્ષ દરમિયાન 1,000થી ઓછા વાહનોનું ઉત્પાદન અથવા આયાત કરે છે, તેમને નિર્ધારિત ફ્યુઅલ-એફિશિયન્સી લક્ષ્યાંકમાંથી મુક્તિ આપવામાં આવશે. જોકે, તેમને પોતાના વાહનોના સરેરાશ ઇંધણ વપરાશની માહિતી સરકારને નિયમિત રીતે આપવી પડશે.

Leave a Comment

और पढ़ें