પેકેટમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓ પર લાલ રંગનું ચેતવણી લેબલ લગાવવાના FSSAIના પ્રસ્તાવ સામે ફૂડ કંપનીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કંપનીઓનું કહેવું છે કે લાલ રંગ ભારતમાં લાંબા સમયથી માંસાહારી ખોરાક સાથે જોડાયેલો હોવાથી શાકાહારી ઉત્પાદનો પર પણ લાલ ચેતવણી લેબલ લગાવવાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.
FSSAIના પ્રસ્તાવ મુજબ, જે પેક્ડ ફૂડમાં નક્કી કરેલી મર્યાદા કરતાં ખાંડ, મીઠું અથવા ચરબીનું પ્રમાણ વધુ હશે, તેના પેકેટની ઉપરની ડાબી બાજુ લાલ રંગનું છ ખૂણાવાળું ચેતવણી બોક્સ મૂકવાનું સૂચન છે. તેમાં ‘હાઈ સુગર’, ‘હાઈ સોલ્ટ’ અથવા ‘હાઈ ફેટ’ જેવી સ્પષ્ટ ચેતવણી દર્શાવવાની રહેશે.
ફૂડ કંપનીઓએ આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે વર્તમાન વ્યવસ્થામાં શાકાહારી ખોરાક માટે લીલું ગોળ ચિહ્ન અને માંસાહારી ખોરાક માટે બદામી રંગનું ત્રિકોણ દર્શાવવામાં આવે છે. આવા સંજોગોમાં લાલ રંગનું નવું ચેતવણી ચિહ્ન ઉમેરવાથી ગ્રાહકોમાં પ્રોડક્ટની પ્રકૃતિ અંગે ગોટાળો થઈ શકે છે અને કંપનીઓના વેચાણ પર પણ અસર પડી શકે છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે FSSAI પાસેથી સ્પષ્ટતા માગી છે અને લાલ રંગના બદલે અન્ય રંગ અંગે વિચાર કરી શકાય કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો છે. પ્રસ્તાવિત ચેતવણી લેબલના માપદંડો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનની 2024ની માર્ગદર્શિકાને આધારે નક્કી કરવામાં આવ્યા છે.









