સેબીના મોટા સુધારાઃ PMS હવે મ્યુચ્યુઅલ ફંડ અને SIFમાં સીધું રોકાણ કરી શકશે

માર્કેટ રેગ્યુલેટર સેબીના બોર્ડે ગુરુવારે અનેક મહત્વપૂર્ણ સુધારાઓને મંજૂરી આપી છે. નવા નિયમો હેઠળ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) કંપનીઓ ગ્રાહકોની મંજૂરીથી સીધી મ્યુચ્યુઅલ ફંડ અને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF)માં રોકાણ કરી શકશે. આ માટે ‘PRISM’ નામના નવા રોકાણ માર્ગને મંજૂરી આપવામાં આવી છે અને આ વિકલ્પમાં ન્યૂનતમ રોકાણ મર્યાદા રૂ.25 લાખ રહેશે.

વિદેશી રોકાણકારો માટે કોમોડિટી ડેરિવેટિવ્ઝનો વિસ્તાર

સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ને નોન-એગ્રીકલ્ચર કોમોડિટી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગની મંજૂરી આપી છે. એવા કોન્ટ્રાક્ટ્સમાં પણ રોકાણ કરી શકાશે જેમાં મેચ્યોરિટી સમયે ફિઝિકલ ડિલિવરીની જોગવાઈ હોય. જોકે, FPIએ સમયસર પોતાની પોઝિશન બંધ કરવી પડશે જેથી વાસ્તવિક માલની ડિલિવરી લેવાની કે આપવાની સ્થિતિ ન સર્જાય.

સેબીના આ નિર્ણયથી કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વિદેશી રોકાણકારોની ભાગીદારી વધવાની અને લિક્વિડિટી સુધરવાની શક્યતા છે.

REIT અને InvITને વિદેશમાંથી મૂડી મેળવવાનો માર્ગ

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) માટે પણ વિદેશી બજારમાંથી મૂડી એકત્ર કરવાની વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે. લિસ્ટેડ REIT અને InvIT પોતાના યુનિટ્સના આધારે ડિપોઝિટરી રિસીપ્ટ્સ (DR) જારી કરીને વિદેશી રોકાણકારો પાસેથી નાણાં મેળવી શકશે.

PMSને વિદેશી શેર અને IPOમાં રોકાણની છૂટ

નવા નિયમો હેઠળ PMS ગ્રાહકની મંજૂરી મેળવીને વિદેશી શેર, વિદેશી ડેટ સિક્યોરિટીઝ, IPO અને ચોક્કસ અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકશે. ગ્રાહકના કુલ પોર્ટફોલિયોના 10% સુધી નાણાં ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ અનલિસ્ટેડ ડેટમાં રોકી શકાશે.

આ ઉપરાંત પ્રાઇમરી માર્કેટમાં આવનારા ડેટ ઇશ્યૂ, IPO અને એક્સચેન્જ પર ટ્રેડ થતા ડેરિવેટિવ્ઝમાં રોકાણની પણ જોગવાઈ કરવામાં આવી છે.

જાહેરાતો માટે કોમન એડવર્ટાઇઝિંગ કોડ

સેબીએ નિયમન હેઠળ આવતી સંસ્થાઓ માટે કોમન એડવર્ટાઇઝિંગ કોડને પણ મંજૂરી આપી છે. કેટલાક પ્રકારની જાહેરાતો માટે અગાઉથી મંજૂરી લેવાની જરૂર નહીં રહે. પાત્ર સંસ્થાઓ બ્રાન્ડ પ્રમોશન માટે સેલિબ્રિટીઝનો ઉપયોગ કરી શકશે, જોકે સેલિબ્રિટી આધારિત જાહેરાતો માટે પૂર્વ મંજૂરીની જોગવાઈ રહેશે.

સેટલમેન્ટની સમયમર્યાદા 90 દિવસ

સેબીએ સેટલમેન્ટ સંબંધિત નિયમોમાં પણ ફેરફારને મંજૂરી આપી છે. હવે સેટલમેન્ટની રકમ નક્કી કરવા માટે નિર્ધારિત ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે. સેટલમેન્ટ માટે અરજી કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 90 દિવસ કરવામાં આવી છે.

નવી વ્યવસ્થામાં સેબી કારણદર્શક નોટિસ આપતા પહેલાં સેટલમેન્ટ નોટિસ આપશે અને ત્યારબાદ સંબંધિત સંસ્થાને સેટલમેન્ટ માટે અરજી કરવાનો સમય મળશે. જોકે, જ્યાં તાત્કાલિક વચગાળાના આદેશની જરૂર હોય તેવા મામલામાં આ સુવિધા લાગુ નહીં પડે.

Leave a Comment

और पढ़ें