UPI ચાર્જથી પ્રથમ વર્ષે રૂ.15 હજાર કરોડ સુધીની આવકનો અંદાજઃ NPCIના CEOનો દાવો

દેશમાં **UPI પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)**ને લઈને ચર્ચા વચ્ચે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના CEO દિલીપ અસ્બેએ જણાવ્યું છે કે નવા ચાર્જથી પ્રથમ વર્ષમાં આશરે રૂ.13 હજારથી રૂ.15 હજાર કરોડની આવક થઈ શકે છે. જોકે, આ આવકથી UPI સિસ્ટમનો સંપૂર્ણ ખર્ચ વસૂલ નહીં થાય.

તેમના જણાવ્યા મુજબ UPI સિસ્ટમ ચલાવવા પાછળનો વાર્ષિક ખર્ચ આશરે રૂ.21 હજાર કરોડ છે. પ્રસ્તાવિત MDRમાંથી થતી આવકનો મોટો હિસ્સો વેપારીઓ પાસેથી આવશે. જોકે, સામાન્ય UPI વ્યવહારોના મોટા ભાગને ચાર્જમાંથી બહાર રાખવામાં આવવાના હોવાથી સામાન્ય ગ્રાહકો પર તેની સીધી અસર મર્યાદિત રહેવાની વાત કરવામાં આવી છે.

96% UPI વ્યવહારો પર ચાર્જ નહીં

NPCIના જણાવ્યા મુજબ, લગભગ 96% UPI વ્યવહારો અને કુલ વ્યવહાર મૂલ્યના આશરે 75% હિસ્સા પર MDR લાગુ નહીં થાય. ખાસ કરીને નિર્ધારિત મર્યાદા સુધીના સામાન્ય વ્યક્તિથી વ્યક્તિ અથવા નાના પેમેન્ટ્સ પર ચાર્જ નહીં લાગે.

મળતી માહિતી પ્રમાણે ચાર્જ લાગુ થનારા વ્યવહારોમાં મુખ્યત્વે ચોક્કસ પ્રકારના મોટા મર્ચન્ટ પેમેન્ટ્સનો સમાવેશ થશે. NPCIના CEOના જણાવ્યા મુજબ MDRમાંથી મળનારી આવકનો ઉપયોગ સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્વાન્ટમ-પ્રૂફિંગ જેવી ટેક્નોલોજી અને સુરક્ષા વ્યવસ્થાઓ માટે કરવામાં આવી શકે છે.

ચાર્જની રકમ બેન્કો અને UPI એપ વચ્ચે વહેંચાશે

MDRથી મળનારી રકમ પેમેન્ટ કરનાર બેન્ક, પેમેન્ટ સ્વીકારનાર બેન્ક અને સંબંધિત UPI એપ સહિતની સિસ્ટમમાં જોડાયેલી સંસ્થાઓ વચ્ચે વહેંચાવાની વ્યવસ્થા રહેશે. આ કારણે બેન્કો પોતાની UPI સેવાઓ અને એપ આધારિત પેમેન્ટને વધુ પ્રોત્સાહન આપે તેવી શક્યતા છે.

બીજી તરફ, મોટા પેમેન્ટ પર ચાર્જ ટાળવા માટે ગ્રાહકો વ્યવહારને નાના હપ્તામાં વહેંચીને પેમેન્ટ કરે તો ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી શકે છે, જેના કારણે UPI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારાનો લોડ ઊભો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें