શૂટિંગમાં સચોટ નિશાનઃ એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ, મેડલ ટેલી 18 પર પહોંચી

જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026ના છઠ્ઠા દિવસે ભારતે શૂટિંગમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં કમલજીત અને સુરૂચિ સિંહની જોડીએ દક્ષિણ કોરિયાની જોડીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

ભારતીય જોડીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 587 પોઇન્ટ સાથે એશિયન રેકોર્ડ નોંધાવ્યો હતો. ફાઇનલમાં 484.6નો સ્કોર કરીને કોરિયાની ટીમને 6.6 પોઇન્ટના અંતરથી હરાવી હતી. આ પહેલાં ભારત માટે મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

શૂટિંગમાં સિલ્વર, સ્ક્વોશ-ટેબલ ટેનિસમાં મેડલ પાક્કા

પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, દ્રાક્ષ પાટિલ અને નીરજ કુમારની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે.

સ્ક્વોશમાં અનુભવી જોશના ચિનપ્પા અને વેલાવન સેંથિલકુમારની મિક્સ્ડ ડબલ્સ જોડીએ સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ભારતનો વધુ એક મેડલ નિશ્ચિત કર્યો છે. ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપાઇન્સની જોડીને 11-3, 11-5થી હરાવી હતી.

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેની મિક્સ્ડ ડબલ્સ જોડીએ હોંગકોંગની વિશ્વની ચોથા ક્રમાંકિત જોડીને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે ટેબલ ટેનિસમાં પણ ભારતનો મેડલ પાક્કો થયો છે.

હોકી અને બેડમિન્ટનમાં પણ શાનદાર પ્રદર્શન

ભારતીય મહિલા હોકી ટીમે જાપાન સામેની મેચમાં 2-0ની સરસાઈ મેળવી હતી. બીજી તરફ બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડીએ માલદીવ્સની જોડીને 21-7, 21-8થી હરાવી વિજયી શરૂઆત કરી છે.

કમલજીત અને સુરૂચિના ગોલ્ડ સાથે ભારતના મેડલની સંખ્યા 18 (2 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ) થઈ ગઈ છે. સ્ક્વોશ અને ટેબલ ટેનિસમાં મેડલ નિશ્ચિત થતાં ભારતની કુલ મેડલ સંખ્યા વધુ વધશે.

Leave a Comment

और पढ़ें