શભરમાં રેલવે ઓવરબ્રિજ (ROB) અને રેલવે અંડરબ્રિજ (RUB)ના નિર્માણને ઝડપી બનાવવા કેન્દ્ર સરકારે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. નવી SOP હેઠળ ફ્લાયઓવર તથા રેલવે ક્રોસિંગ સાથે જોડાયેલા માળખાંની ડિઝાઇન અને જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ (GAD)ની મંજૂરી પ્રક્રિયાને વધુ સરળ અને પ્રમાણભૂત બનાવવામાં આવશે.
રેલવે લાઇન અને નેશનલ હાઈવે જ્યાં એકબીજાને છેદે છે ત્યાં અકસ્માત ટાળવા માટે ROB અથવા RUB જેવા ગ્રેડ સેપરેટર બનાવવામાં આવે છે. આવા પ્રોજેક્ટમાં GADની મંજૂરી મહત્વપૂર્ણ ટેકનિકલ તબક્કો હોય છે. તેના આધારે બ્રિજનું સ્થાન, સ્પાન, રેલવે ટ્રેકથી ઊંચાઈ, ડ્રેનેજ અને ભવિષ્યમાં રેલવેના વિસ્તરણને ધ્યાનમાં રાખીને સુરક્ષા માપદંડ નક્કી કરવામાં આવે છે.
GAD મંજૂરી હવે સમયબદ્ધ થશે
નવી SOPના અમલથી GAD મંજૂરીની પ્રક્રિયા સરેરાશ 50થી 60 દિવસમાં પૂર્ણ કરવાની સમયબદ્ધ વ્યવસ્થા ઊભી થશે. તમામ પ્રસ્તાવો નક્કી કરાયેલી ડિજિટલ ચેકલિસ્ટ સાથે ઓનલાઇન પોર્ટલ પર જમા કરવામાં આવશે. રેલવે અને NHAIના ટેકનિકલ અધિકારીઓ એક જ પ્રક્રિયા હેઠળ પોતાની આપત્તિઓ અને સૂચનો નોંધશે, જેના કારણે ફાઇલો વારંવાર મોકલવાની જરૂરિયાત ઘટશે.
નવી વ્યવસ્થાથી પ્રોજેક્ટની ડિઝાઇન અને મંજૂરીના તબક્કામાં વિલંબ ઘટાડવાની સાથે બાંધકામનું આયોજન પણ વધુ સુવ્યવસ્થિત બનશે. રેલવે ટ્રેક પર ગર્ડર લોન્ચિંગ અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન માટે જરૂરી ટ્રાફિક બ્લોકની અગાઉથી યોજના બનાવવામાં પણ સરળતા રહેશે.
4,993 ROB-RUB પ્રોજેક્ટ મંજૂર
1 જૂન 2026 સુધી દેશમાં કુલ 4,993 ROB-RUB કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સનો અંદાજિત ખર્ચ આશરે ₹1.17 લાખ કરોડ છે અને વિવિધ પ્રોજેક્ટ હાલ આયોજન તથા અમલીકરણના અલગ-અલગ તબક્કામાં છે.
2025માં 1,161 ROB-RUBનું નિર્માણ પૂર્ણ
વર્ષ 2025 દરમિયાન દેશમાં રેકોર્ડ 1,161 ROB-RUBનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. રેલવે ક્રોસિંગ પર વાહનવ્યવહારને સરળ બનાવવા અને લેવલ ક્રોસિંગને કારણે થતા જોખમ ઘટાડવામાં આ માળખાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
માનવસહિત લેવલ ક્રોસિંગને તબક્કાવાર દૂર કરવાની કામગીરી
1 એપ્રિલ 2025 સુધી દેશમાં 16,499 માનવસહિત લેવલ ક્રોસિંગ ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આવા ક્રોસિંગને તબક્કાવાર રીતે ROB, RUB અથવા જરૂરી રોડ ડાયવર્ઝન દ્વારા વધુ સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવી SOPથી આવા પ્રોજેક્ટ્સની મંજૂરી અને અમલીકરણ પ્રક્રિયાને વધુ ગતિ મળવાની અપેક્ષા છે.








