ધોરાજીના ભૂતવડ ગામના પાટિયા નજીક આવેલા ભક્તિ ફ્યુલ સ્ટેશનમાં રોકડ અને મોબાઈલની ચોરીનો ભેદ રૂરલ LCBએ ઉકેલી લીધો છે. પોલીસે રાજકોટની ચાર સભ્યોની ટોળકીને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને ચોરીમાં વપરાયેલી CNG રિક્ષા સહિત કુલ ₹1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ફ્યુલ સ્ટેશન પર માત્ર એક જ ફિલરમેન ફરજ પર હતો. આરોપીઓ CNG ભરાવવા માટે રિક્ષામાં આવ્યા હતા અને તે સમયે ફિલરમેનની ગતિવિધિઓ પર નજર રાખી હતી. ફિલરમેન ઊંઘી ગયા બાદ આરોપીઓએ તકનો લાભ લીધો હતો.
આરોપીઓએ ટેબલના ખાનામાં રાખેલી ₹28,060ની રોકડ અને ઓશિકા પાસે રાખેલો મોબાઈલ ચોરી લીધો હતો. સવારે ફિલરમેનને રોકડ અને મોબાઈલ ન મળતાં CCTV ચેક કરવામાં આવ્યું હતું. તેમાં રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક શખ્સ ટેબલ પાસે જઈ રોકડ અને મોબાઈલ ચોરી કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધોરાજી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
SP વિજયસિંહ ગુર્જરની સૂચનાથી રૂરલ LCB PI જે.પી. રાવની રાહબરી હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે પ્રતીક ઉર્ફે પતિયો પરસોત્તમ સાકરીયા, રજાક ઉર્ફે કાળીયો ઈસા મુસાણી, ભાવેશ ઉર્ફે દોણિયો ભુપત મકવાણા અને દીપક દલા સોલંકીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ₹25 હજાર રોકડા, બે મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જીજે-03-સીટી-5864 નંબરની CNG રિક્ષા મળી કુલ ₹1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં આરોપીઓએ ફ્યુલ સ્ટેશન પર અગાઉથી નજર રાખી હતી અને મોડી રાત્રે અવરજવર ઓછી હોવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. ફિલરમેન ઊંઘી ગયા બાદ ટોળકીએ ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. પ્રતીક સાકરીયા સામે 8, રજાક મુસાણી સામે 2, ભાવેશ મકવાણા સામે 2 અને દીપક સોલંકી સામે 1 ગુનો અગાઉ નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.









