દિલ્હીમાં એરફોર્સ સ્કૂલ સહિત અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી: તપાસમાં કશું મળ્યું નહીં

નવી દિલ્હી: દેશભરમાં શાળા-કોલેજો અને અદાલતોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ વચ્ચે દિલ્હીમાં આજે ફરી એકવાર અનેક શાળાઓને બોમ્બની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારી તપાસ હાથ ધરી હતી.

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ બ્રિટિશ સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ અને એરફોર્સ બાલ ભારતી સ્કૂલ સહિતની અનેક શાળાઓને આજે સવારે બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકી મળી હતી. ઈ-મેઈલ મળતાં જ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અને શાળાઓમાં સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

જોકે તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તપાસ બાદ સ્થિતિ સામાન્ય થતાં શાળાઓમાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સવારે મળેલા ઈ-મેઈલમાં એકસરખી પેટર્નથી વિવિધ શાળાઓને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ દિલ્હીની અનેક શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈ-મેઈલ મળી ચૂક્યા છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. પોલીસ હવે ધમકીભર્યા ઈ-મેઈલના સ્ત્રોત અને મોકલનાર અંગે તપાસ કરી રહી છે.

Leave a Comment