નવી દિલ્હી: અમેરિકાની ટેક્નોલોજી કંપની Oracle દ્વારા વધુ 21,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હોવાના અહેવાલથી ટેક ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઈ-મેઈલ મોકલીને નોકરીમાંથી દૂર કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ મુજબ, ઓરેકલ દ્વારા દુનિયાભરમાં તેના આશરે 21,000 કર્મચારીઓને વહેલી સવારે ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. કંપની પરંપરાગત બિઝનેસની સરખામણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં વધુ રોકાણ કરી રહી છે અને તેના બિઝનેસ મોડેલમાં પણ AIનો ઉપયોગ વધારી રહી છે.
AI તરફ કંપનીના વધતા ઝોક વચ્ચે ખર્ચ ઘટાડવા માટે વ્યાપક છટણી શરૂ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં કંપનીની ફાઈલો, સોફ્ટવેર, ઈ-મેઈલ અને વોઈસ મેઈલ સહિતની સિસ્ટમ્સની ઍક્સેસ બંધ કરી દેવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી.
આ સાથે કર્મચારીઓ કંપનીની આંતરિક સિસ્ટમમાં લોગ-ઈન કરી શકશે નહીં તેવું પણ જણાવાયું હતું. ઓરેકલના આ નિર્ણયથી ટેક્નોલોજી ક્ષેત્રમાં AIના વધતા ઉપયોગને કારણે રોજગાર પર થતી અસર અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.









