દેશમાં મોંઘવારીના મોરચે ફરી ચિંતા વધે તેવા આંકડા સામે આવ્યા છે. સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઓગસ્ટ મહિનામાં દેશનો રિટેલ મોંઘવારી દર વધીને 4.82% થયો છે. જુલાઈમાં રિટેલ મોંઘવારી 4.45% નોંધાઈ હતી. એટલે કે એક મહિનામાં મોંઘવારીમાં વધારો થયો છે.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાની સીધી અસર રિટેલ મોંઘવારી પર પડી છે. ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર જુલાઈના 5.52%થી વધીને 5.95% થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાદ્ય મોંઘવારી 5.64%, જ્યારે શહેરી વિસ્તારમાં 6.13% નોંધાઈ છે.
ડુંગળી-લસણના ભાવમાં જોરદાર ઉછાળો
ઓગસ્ટમાં ડુંગળીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. ડુંગળીની મોંઘવારી જુલાઈના 22.54%થી ઉછળીને 48.27% થઈ ગઈ છે. લસણના ભાવમાં પણ વધારો નોંધાયો છે. લસણની મોંઘવારી 35.36%થી વધીને 43.60% પર પહોંચી છે.
જોકે આદુના ભાવમાં થોડો ઘટાડો થયો છે. આદુની મોંઘવારી જુલાઈના 83.57%થી ઘટીને 73.82% થઈ છે.
ટામેટાં સહિત કેટલીક શાકભાજીમાં રાહત
એક તરફ ડુંગળી અને લસણ મોંઘા થયા છે, તો બીજી તરફ કેટલીક શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં 31.09%નો ઘટાડો થયો છે, જ્યારે જુલાઈમાં આ ઘટાડો માત્ર 4.60% હતો.
બટાકાની મોંઘવારી -13.14% રહી છે. જુલાઈમાં આ આંકડો -16.56% હતો. ભીંડાના ભાવમાં પણ ઓગસ્ટ દરમિયાન 5.41%નો ઘટાડો નોંધાયો છે.
ખાંડના ભાવમાં પણ ઉછાળો
ઓગસ્ટમાં ખાંડના ભાવમાં પણ વધારો ચિંતાનો વિષય બન્યો છે. ઘરેલુ બજારમાં ભાવને કાબૂમાં રાખવા ભારતે ખાંડની નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે, જે સપ્ટેમ્બરના અંત સુધી અમલમાં રહેવાના છે. ખાંડના ભાવમાં વધારો પણ એકંદર મોંઘવારી પર દબાણ વધારી રહ્યો છે.
ચોમાસું અને ક્રૂડ ઓઈલ રહેશે મહત્વના પરિબળ
આગામી સમયમાં મોંઘવારી કઈ દિશામાં જશે તે મુખ્યત્વે ચોમાસું અને કૃષિ ઉત્પાદન પર નિર્ભર રહેશે. સામાન્ય ચોમાસાને કારણે પાકનું ઉત્પાદન સારું રહે તો ખાદ્ય ચીજોના ભાવમાં સ્થિરતા આવી શકે છે. જોકે અનિયમિત વરસાદ અથવા હવામાનમાં ફેરફારથી શાકભાજી સહિત કૃષિ ઉત્પાદનોના ભાવ ફરી વધી શકે છે.
આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પણ ભારત માટે મહત્વનું જોખમ છે. ક્રૂડ ઓઈલ મોંઘું થાય તો ઈંધણ અને પરિવહન ખર્ચમાં વધારો થવાથી આયાતી મોંઘવારીનું દબાણ વધી શકે છે.
FY27 માટે RBIનો મોંઘવારી અંદાજ 5%
RBIએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે મોંઘવારીનો અંદાજ અગાઉના 5.1%થી ઘટાડીને 5% કર્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને સપ્લાય સંબંધિત દબાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ અંદાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
RBIના અનુમાન મુજબ નજીકના સમયમાં હેડલાઇન મોંઘવારીમાં થોડો વધારો થઈ શકે છે, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળવાની શક્યતા છે.









