અમેરિકામાં ડ્રગ્સકાંડમાં 10 ગુજરાતી ઝબ્બે! પેન્સિલવેનિયામાં નશીલા પદાર્થોના મોટા નેટવર્કનો પર્દાફાશ, 1.43 લાખ પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત

પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને લાખો ડોલરના કથિત હવાલા સાથે જોડાયેલા મોટા કેસમાં 10 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ એટર્ની જનરલની ઓફિસના જણાવ્યા અનુસાર આરોપીઓ મોટા પાયે નાર્કોટિક્સ ટ્રાફિકિંગનું નેટવર્ક ચલાવતા હોવાના આક્ષેપો છે. આ મામલે ડિસેમ્બર 2024થી તપાસ ચાલી રહી હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલા ગુજરાતીઓમાં ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ, રોશની પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, નિરવ પટેલ, માધવ પટેલ અને એલ્બિના પટેલનો સમાવેશ થાય છે. કેટલાક આરોપીઓ ચરોતર વિસ્તારના હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ નેટવર્ક લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલું હોવાની આશંકા છે.

વેસ્ટમોરલેન્ડ અને અલીઘેની કાઉન્ટીમાં નેટવર્ક

આરોપીઓ સામે વેસ્ટમોરલેન્ડ કાઉન્ટીમાં સંગઠિત રીતે નશીલા પદાર્થોની હેરાફેરી સહિત Corrupt Organizations, Delivery of a Controlled Substance અને Possession with Intent to Deliver જેવા આરોપો લગાવવામાં આવ્યા છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર ગેંગનું નેટવર્ક વેસ્ટમોરલેન્ડ અને અલીઘેની કાઉન્ટીમાંથી ઓપરેટ થતું હતું. પેન્સિલવેનિયામાં તેમના આશરે ત્રણ વેરહાઉસ હોવાનું સામે આવ્યું છે, જ્યાંથી સમગ્ર રાજ્યમાં ગેરકાયદે પ્રોડક્ટ્સ સપ્લાય કરવામાં આવતી હતી.

લોકલ વેપ શોપથી બાળકો સુધી પહોંચતો માલ

તપાસમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક વેપ શોપ્સ મારફતે આ પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવતું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ સ્કૂલમાં ભણતા બાળકો સુધી પણ પહોંચતી હતી.

કોર્ટ રેકોર્ડ્સ મુજબ આરોપીઓ સામે નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણ ઉપરાંત લાખો ડોલરના કથિત હવાલા અને રોકડ વ્યવહારો કરવાનો પણ આરોપ છે.

લેસ્ડ કેન્ડી ખાધા બાદ ચાર વર્ષની બાળકી હોસ્પિટલમાં

આ કેસની તપાસ દરમિયાન વેસ્ટમોરલેન્ડ કાઉન્ટીની એક મહિલાએ ગ્રાન્ડ જ્યુરી સમક્ષ આપેલી ગવાહી પણ સામે આવી છે. મહિલાના જણાવ્યા મુજબ સ્થાનિક વેપ શોપમાંથી ખરીદેલી લેસ્ડ કેન્ડી ખાધા બાદ તેની ચાર વર્ષની પુત્રીની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

અલગ-અલગ કંપનીઓની આડમાં રેકેટ

કોર્ટના દસ્તાવેજો અનુસાર આરોપીઓએ અલગ-અલગ **લિમિટેડ લાયબિલિટી કંપનીઓ (LLC)**ની આડમાં નાર્કોટિક્સ ડિસ્ટ્રિબ્યુશનનું નેટવર્ક ચલાવ્યું હોવાનો આરોપ છે. આ નેટવર્કમાં લાખો ડોલરની લેવડદેવડ થતી હતી અને મોટી માત્રામાં રોકડનો પણ વહીવટ થતો હતો.

વેરહાઉસનું સંચાલન કેટલાક નિશ્ચિત લોકો દ્વારા કરવામાં આવતું હતું, જ્યારે માલની ડિલિવરી માટે અનેક વાહનો અને લોકોનો ઉપયોગ થતો હતો. આ લોકો પેન્સિલવેનિયાના વિવિધ વિસ્તારોમાં માલ પહોંચાડતા હોવાનો તપાસમાં ઉલ્લેખ છે.

દરોડામાં 1.43 લાખ પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત

તપાસ દરમિયાન નેટવર્ક સાથે જોડાયેલા વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ઈલીગલ સબસ્ટન્સ ધરાવતી 1.43 લાખ જેટલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પ્લમ ખાતે આવેલા એક વેરહાઉસમાંથી જ આશરે 12 હજાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલા 10 ગુજરાતીઓ ઉપરાંત વધુ ત્રણ લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા તપાસ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment