બોરીસ જોન્સન સહિત યુરોપના નેતાઓનો ચમત્કારિક બચાવ : પોલેન્ડ સરહદ નજીક રશિયન ડ્રોન હુમલો
મોસ્કો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડ-યુક્રેન સરહદ નજીક રશિયન ડ્રોન હુમલાથી બ્રીટનના પૂર્વ વડાપ્રધાન બોરીસ જોન્સન સહિત યુરોપના અનેક રાજદ્વારી નેતાઓનો બચાવ થયો હોવાના અહેવાલ છે. આ તમામ નેતાઓ કિવમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં હાજરી આપીને ડિપ્લોમેટિક ટ્રેન મારફતે પરત ફરી રહ્યા હતા.
ટ્રેનમાં બોરીસ જોન્સન ઉપરાંત સ્વીડનના પૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડટ સહિત અન્ય યુરોપિયન ડિપ્લોમેટ્સ પણ સવાર હતા. ટ્રેન યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડ તરફ આગળ વધી રહી હતી ત્યારે પોલેન્ડની સરહદથી આશરે 2 કિમી દૂર રશિયન ડ્રોન હુમલો થયો હતો.
સ્વીડનના પૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેમની ટ્રેનને કોઈ નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે સરહદ ક્રોસ કર્યાના લગભગ એક મિનિટ બાદ જ હુમલો થયો હતો.
યુક્રેનિયન સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં રશિયન ડ્રોન હુમલાનું જોખમ રહેતું હોવાથી ડિપ્લોમેટિક ટ્રેનને નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના કરવામાં આવી હતી. યુક્રેનનો દાવો છે કે આ હુમલાનો સંભવિત નિશાન ડિપ્લોમેટિક ટ્રેન હોઈ શકે છે.
બોરીસ જોન્સને પણ ટ્રેન વહેલી રવાના થઈ હોવાની વાત સ્વીકારી હતી. તેમણે આ પ્રકારના હુમલાને ગંભીર અને બિનજરૂરી ગણાવ્યો હતો. બીજી તરફ પોલેન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કીએ પોલેન્ડની સરહદ નજીક થયેલા હુમલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો હતો.
આ જ દિવસે પોલેન્ડ-યુક્રેન સરહદ નજીક એક ટ્રક ચેકપોસ્ટ સાથે અથડાતા સરહદી કામગીરીમાં પણ વિક્ષેપ પડ્યો હતો. રશિયાનો દાવો છે કે આ માર્ગનો ઉપયોગ યુરોપમાંથી યુક્રેનમાં શસ્ત્રો અને અન્ય પુરવઠો પહોંચાડવા માટે થાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પોલેન્ડ સરહદ નજીકની આ ઘટનાએ યુરોપમાં સુરક્ષાને લઈને ફરી ચિંતા વધારી છે.









