રેડ સીના ટાપુઓ પર હુથીનો કબજો : સાઉદીની 1200 કિમી લાંબી ક્રૂડ પાઈપલાઈન બંધ

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ બંધ રહેતાં વૈશ્વિક ક્રૂડતેલ સપ્લાયને મોટો ફટકો પડ્યો છે. ક્રૂડતેલના ભાવ એક તબક્કે 108 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. હવે ઈરાન સમર્થિત હુથી સંગઠને રેડ સી વિસ્તારમાં પોતાની સક્રિયતા વધારતાં ક્રૂડતેલ સપ્લાયનો વધુ એક મહત્વનો માર્ગ જોખમમાં મુકાયો છે.

હુથી સંગઠને રેડ સી વિસ્તારમાં આવેલા કેટલાક વ્યૂહાત્મક ટાપુઓ પર કબજો મેળવ્યો હોવાના અહેવાલો વચ્ચે સાઉદી અરેબિયાએ સાવચેતીના પગલારૂપે તેની પૂર્વથી પશ્ચિમ તરફ જતી આશરે 1200 કિમી લાંબી ક્રૂડ ઓઈલ પાઈપલાઈન બંધ કરી દીધી છે. આ પાઈપલાઈન દ્વારા દરરોજ લાખો બેરલ ક્રૂડતેલ રેડ સી કિનારે આવેલા યાન્બુ બંદર સુધી પહોંચાડવામાં આવતું હતું, જ્યાંથી ટેન્કરો મારફતે વિશ્વના બજારોમાં તેલ મોકલવામાં આવતું હતું.

હુથીના હુમલામાં પાઈપલાઈન સાથે જોડાયેલા એક પમ્પિંગ સ્ટેશનને ડ્રોનથી નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે આગ અને ધુમાડો જોવા મળ્યા બાદ પાઈપલાઈનમાં દબાણ ઘટ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાઉદી સત્તાવાળાઓએ પાઈપલાઈનનું સંચાલન તાત્કાલિક બંધ કર્યું હોવાનું જણાવાયું છે.

હોર્મુઝનો વિકલ્પ પણ હવે જોખમમાં

આ પાઈપલાઈન સાઉદી અરેબિયા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. હોર્મુઝ જળમાર્ગ ટાળીને સાઉદી અરેબિયા પોતાના ક્રૂડતેલને પાઈપલાઈન મારફતે રેડ સી સુધી પહોંચાડી શકે છે અને ત્યાંથી દરિયાઈ માર્ગે વૈશ્વિક બજારોમાં નિકાસ કરી શકે છે.

આ માર્ગથી સામાન્ય સ્થિતિમાં વિશ્વની કુલ ક્રૂડતેલ સપ્લાયના આશરે 4થી 5 ટકા જેટલા તેલનો પ્રવાહ રહેતો હોવાનું જણાવાય છે. પાઈપલાઈનની ક્ષમતા દરરોજ આશરે 50 લાખ બેરલ સુધીની છે. તેથી લાંબા સમય સુધી તેની કામગીરી ખોરવાય તો વૈશ્વિક ઓઈલ માર્કેટ પર વધારાનું દબાણ ઊભું થઈ શકે છે.

હુથીનો રેડ સી વિસ્તારમાં વધતો પ્રભાવ

યમન સ્થિત હુથી સંગઠન ઈરાનનું સમર્થન ધરાવે છે અને ઈઝરાયેલ સામે સતત સશસ્ત્ર કાર્યવાહી કરી રહ્યું છે. હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે હુથીએ રેડ સી વિસ્તારમાં પોતાની સૈન્ય અને વ્યૂહાત્મક હાજરી વધારી છે.

બાબ-અલ-મંદેબ જળમાર્ગ નજીકના વ્યૂહાત્મક વિસ્તારો પર હુથીની વધતી પકડને કારણે સાઉદી અરેબિયાના વૈકલ્પિક ઓઈલ રૂટ સામે પણ જોખમ ઊભું થયું છે. રેડ સી અને બાબ-અલ-મંદેબ વિશ્વના મહત્વપૂર્ણ ઊર્જા અને વેપાર માર્ગો હોવાથી અહીં કોઈપણ લાંબો વિક્ષેપ વૈશ્વિક ક્રૂડતેલ પુરવઠા અને ભાવ બંનેને અસર કરી શકે છે.

હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ ક્ષેત્રમાં વધતું જોખમ વૈશ્વિક ઊર્જા બજાર માટે નવી ચિંતાનું કારણ બન્યું છે.

Leave a Comment

और पढ़ें