શેરબજાર અને સોના-ચાંદીમાં કડાકો : ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો

મધ્યપૂર્વમાં વધતી યુદ્ધની ગંભીરતા, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અને ભારતમાં વરસાદની ખેંચના કારણે ભારતીય બજારમાં ફરી ગભરાટ જોવા મળ્યો. શેરબજાર, સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો હતો.

ઈરાનના જોર્ડન અને બહેરીન પરના હુમલાના અહેવાલો વચ્ચે મધ્યપૂર્વનું યુદ્ધ વધુ વકરવાની આશંકાથી રોકાણકારોમાં સાવચેતી વધી હતી. બીજી તરફ ક્રૂડ ઓઇલનો ભાવ $108ને પાર જતા ભારતીય અર્થતંત્ર પર દબાણ વધવાની ભીતિ વ્યક્ત થઈ હતી. ચોમાસું સક્રિય ન થતાં વરસાદની ખાધ વધવાની સ્થિતિએ કૃષિ ક્ષેત્ર અંગે પણ ચિંતા ઊભી કરી છે.

નાણાકીય સંસ્થાઓની વેચવાલી અને મોટી સંખ્યામાં આવી રહેલા IPOને કારણે બજારમાં લિક્વિડિટી અંગે પણ સાવચેતી જોવા મળી હતી. મોટાભાગના શેરોમાં ઘટાડો રહ્યો હતો. જોકે ONGC, ટેક મહિન્દ્રા, ઓઇલ ઇન્ડિયા, TCS અને વોડાફોન જેવા કેટલાક શેરોમાં મજબૂતી જોવા મળી હતી.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 644 પોઈન્ટ ઘટીને 74,257 અને નિફ્ટી 224 પોઈન્ટ ઘટીને 23,253 પર બંધ રહ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બજારમાં સોનું $4,304 પ્રતિ ઔંસ રહ્યું હતું. સ્થાનિક વાયદામાં સોનું ₹1,437 ઘટીને ₹1,50,904 અને ચાંદી ₹3,300 ઘટીને ₹2,30,795 પર પહોંચી હતી.

કરન્સી માર્કેટમાં પણ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો 28 પૈસા ઘટીને 95.72ના સ્તરે પહોંચ્યો હતો.

Leave a Comment

और पढ़ें