અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ 1 અબજ ડોલરનું ઋણ લઈ શકે; SBI, HDFC સહિતની બેંકો સાથે ચર્ચા, ઓક્ટોબર સુધીમાં ડીલની શક્યતા
મુંબઈઃ અદાણી ગ્રુપ સિમેન્ટ બિઝનેસ સાથે જોડાયેલી જૂની લોનને રિફાઇનાન્સ કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી લોન મેળવવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર ગ્રુપ કુલ 2.5 અબજ ડોલરનું વિદેશી ઋણ મેળવવાની યોજના બનાવી રહ્યું છે. અંબુજા સિમેન્ટ્સ અને ACCના અધિગ્રહણ માટે અગાઉ લેવામાં આવેલી લોનને રિફાઇનાન્સ કરવા માટે આ નાણાંનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
એન્ડેવર પાસેથી 1.5 અબજ ડોલરની લોનની ચર્ચા
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપની મોરેશિયસ સ્થિત કંપની એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પાસેથી આશરે 1.5 અબજ ડોલરનું ઋણ લેવાની ચર્ચા ચાલી રહી છે. આ લોનની મુદત આશરે 18થી 24 મહિનાની હોઈ શકે છે.
આ લોન બાદ ભારતીય બેંકો પાસેથી મળનારા ભંડોળ દ્વારા તેની ચુકવણી અથવા રિફાઇનાન્સિંગ કરવાની યોજના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ વ્યવહારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને HDFC બેંક સહિતની ભારતીય બેંકોની સંભવિત ભાગીદારી અંગે ચર્ચા છે.
અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ લેશે 1 અબજ ડોલર?
અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પણ આશરે 1 અબજ ડોલરની વિદેશી લોન મેળવવાની શક્યતા છે. આ લોન રિઝર્વ બેંકની External Commercial Borrowing (ECB) વ્યવસ્થા હેઠળ લેવામાં આવી શકે છે.
આ માટે DBS અને Standard Chartered સહિતની વૈશ્વિક બેંકો સાથે વાટાઘાટો ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સમગ્ર વ્યવહારનો કરાર ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ત્રણ વર્ષ બાદ બોન્ડ માર્કેટમાં રિલાયન્સની વાપસી
બીજી તરફ, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ બોન્ડ માર્કેટમાં પરત ફરવાની તૈયારીમાં છે. કંપની આશરે રૂ.12,500 કરોડ એકત્ર કરવા માટે બોન્ડ ઇશ્યૂ કરવાની યોજના બનાવી રહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવેમ્બર 2023 બાદ પ્રથમ વખત બોન્ડ માર્કેટમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. કંપનીએ 2023માં બોન્ડ દ્વારા આશરે રૂ.20,000 કરોડ એકત્ર કર્યા હતા. હવે ફરીથી બોન્ડ મારફત ભંડોળ ઊભું કરવાની આ યોજના કંપનીની નાણાકીય વ્યૂહરચનામાં મહત્વનું પગલું માનવામાં આવી રહી છે.








