વિસ્ફોટના 13 મિનિટ પહેલાં હુમલાખોરે લાલ મંદિર સામે કાર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો; નિષ્ફળ જતા લાલ કિલ્લા તરફ વળ્યો
નવી દિલ્હીઃ ગત વર્ષે લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા અદાલતમાં રજૂ કરાયેલા આરોપપત્ર અનુસાર, આતંકવાદીઓનું પ્રથમ નિશાન ચાંદની ચોક વિસ્તારમાં આવેલું ઐતિહાસિક લાલ મંદિર હતું. જોકે, ભારે ભીડ અને પોલીસની સઘન હાજરીને કારણે હુમલાખોર અહીં કાર પાર્ક કરી શક્યો નહોતો.
CCTVમાં સમગ્ર હિલચાલ કેદ
NIAની તપાસ મુજબ, 10 નવેમ્બરે સાંજે આશરે 6:37 વાગ્યે શંકાસ્પદ i20 કાર લાલ મંદિર નજીક પહોંચી હતી. આરોપપત્રમાં જણાવ્યા મુજબ હુમલાખોર ઉમર-ઉન-નબીએ મંદિર સામે કાર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર ભારે અવરજવર અને પોલીસની હાજરીને કારણે તે પોતાના કથિત પ્લાનને અંજામ આપી શક્યો નહોતો.
પાર્કિંગમાં નિષ્ફળતા બાદ તેણે કારનો યુ-ટર્ન લીધો અને લાલ કિલ્લાના ગેટ નંબર-4 તરફ આગળ વધ્યો હતો. ત્યારબાદ આશરે 13 મિનિટ પછી, સાંજે 6:50 વાગ્યે કારમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટમાં 11નાં મોત, 29 ઘાયલ
NIAના આરોપપત્ર મુજબ આ આત્મઘાતી વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયા હતા, જ્યારે 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટને કારણે આસપાસની મિલકતોને પણ નુકસાન થયું હતું, જેની કિંમત આશરે રૂ.17.7 લાખ હોવાનું તપાસમાં જણાવાયું છે.
ઉમર-ઉન-નબી અંગે પણ મોટો દાવો
આરોપપત્રમાં હુમલાખોર ઉમર-ઉન-નબીને અંસાર ગજવાત-ઉલ-હિન્દ (AGH) સાથે જોડાયેલા પુનઃસક્રિય કરાયેલા આતંકી મોડ્યુલનો ઈન્ચાર્જ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તપાસમાં સામે આવેલી CCTV સહિતની વિગતોના આધારે હુમલાની કથિત યોજના અને હુમલાખોરની હિલચાલ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
લાલ મંદિરને પ્રથમ નિશાન બનાવવામાં આવ્યું હોવાના ખુલાસાથી સમગ્ર કેસમાં તપાસનો વ્યાપ વધુ ગંભીર બન્યો છે.








