નિવૃત્તિ બાદ પુનઃનિયુક્તિની મંજૂરી, રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓને મળશે અનુભવી ડોક્ટરોનો લાભ
લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં સરકારી તબીબોની સેવાવય વધારવાની દિશામાં નિર્ણય લેવાયો છે. હાલ સરકારી તબીબો 65 વર્ષની વય સુધી સેવા આપી શકે છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ તેમને 70 વર્ષની વય સુધી પુનઃનિયુક્તિ મેળવી સેવા આપવાની તક મળશે.
નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકની સૂચનાને પગલે આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ કક્ષાએથી આ અંગે જરૂરી આદેશ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યની સરકારી હોસ્પિટલો ઉપરાંત પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અનુભવી તબીબોની સેવાઓ વધુ સમય સુધી ઉપલબ્ધ રહેશે.
ખાસ કરીને વિશેષજ્ઞ તબીબોની અછત ધરાવતા વિભાગોને આ નિર્ણયથી મોટો લાભ મળવાની અપેક્ષા છે. અનુભવી ડોક્ટરોની ઉપલબ્ધતા વધવાથી દર્દીઓને વધુ સારી સારવાર મળી શકશે અને સરકારી આરોગ્ય વ્યવસ્થાની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે.
શિક્ષણ ક્ષેત્રે 2500 વર્ગ-3ની જગ્યાઓ ભરાશે
આરોગ્ય ક્ષેત્રની સાથે ઉત્તર પ્રદેશ સરકારે શિક્ષણ ક્ષેત્રે પણ ભરતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની યુનિવર્સિટીઓ, ડિગ્રી કોલેજો, ટેકનિકલ અને કૃષિ શિક્ષણ સંસ્થાઓમાં વર્ગ-3ની આશરે 2500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા ઉત્તર પ્રદેશ અધિનસ્થ સેવા પસંદગી આયોગ (UPSSSC) દ્વારા હાથ ધરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં સંબંધિત વિભાગો દ્વારા વિગતવાર રિક્વિઝિશન મોકલવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 500થી વધુ પદો સહિત વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરાતા શૈક્ષણિક અને વહીવટી કામગીરીને વેગ મળશે. સરકારના આ બંને નિર્ણયથી એક તરફ આરોગ્ય ક્ષેત્રે અનુભવી તબીબોની સેવાઓનો લાભ મળશે, જ્યારે બીજી તરફ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરાતા કામગીરી વધુ અસરકારક બનશે.









