ખાનગી બાઇકને ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપો : નિતિન ગડકરી

રાજ્ય સરકારોને અપીલ, બાઇક ટેક્સીથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ખાનગી ટુ-વ્હીલર માલિકો માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના રાજ્યમાં ખાનગી બાઇકને બાઇક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપે. ગડકરીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થાથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લાખો લોકોને આવક અને રોજગારીની નવી તકો મળી શકે છે.

ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી આ વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ પરિવહન રાજ્યનો વિષય હોવાથી અંતિમ મંજૂરી રાજ્ય સરકારોએ આપવાની રહે છે. કેટલાક રાજ્યોમાં હજુ સુધી બાઇક ટેક્સી સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

તેમણે કહ્યું કે જ્યાં રોજગારીના સાધનો મર્યાદિત છે ત્યાં બાઇક ટેક્સી લોકો માટે વધારાની આવકનું સાધન બની શકે છે. તેથી રાજ્ય સરકારોએ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિયમો બનાવી આ સેવા શરૂ કરવા આગળ આવવું જોઈએ.

વારંવાર ટ્રાફિક નિયમ તોડનાર સામે ‘નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ’

રોડ સેફ્ટીને લઈને પણ ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ડ્રાઇવરો સામે ‘નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ’ લાગુ કરવા માટે મોટર વ્હીકલ કાયદામાં સુધારાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ વ્યવસ્થા હેઠળ દરેક ટ્રાફિક ભંગ બદલ ડ્રાઇવરના રેકોર્ડમાં નેગેટિવ પોઈન્ટ ઉમેરવામાં આવશે. ચોક્કસ મર્યાદા સુધી પોઈન્ટ એકત્ર થયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

હાઈ-રિસ્ક વર્કર્સ માટે ‘સુરક્ષા’ પ્રોજેક્ટ

રોડ અકસ્માતો ઘટાડવાના હેતુથી હાઈવે અને માઇનિંગ જેવા જોખમી ક્ષેત્રોમાં કામ કરતા ડ્રાઇવરો અને કામદારો માટે ‘સુરક્ષા’ નામનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ હેઠળ આશરે 10 લાખ હાઈ-રિસ્ક વર્કર્સનું મફત મેડિકલ ચેકઅપ, આંખોની તપાસ અને કાઉન્સેલિંગ કરવામાં આવશે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવરોની શારીરિક ક્ષમતા યોગ્ય રહે અને અકસ્માતનું જોખમ ઘટે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.

બાઇક ટેક્સી માટે રાજ્યોની મંજૂરી અને ટ્રાફિક નિયમો માટે નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ જેવા પગલાં સાથે સરકાર હવે રોજગારી અને રોડ સેફ્ટી બંને ક્ષેત્રે નવી વ્યવસ્થાઓ લાવવાની દિશામાં આગળ વધી રહી છે.

Leave a Comment

और पढ़ें