કટારિયા ગામની સીમમાં આવેલી હોટલના પાર્કિંગમાંથી ટેન્કરમાંથી કિંમતી કેમિકલ ચોરી ઝડપાઈ, રૂ.45.29 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કટારિયા ગામની સીમમાં આવેલી યુપી-બિહાર હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી ચોરી કરવાના રેકેટનો રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ.45.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ ટેન્કરના માલિકની જાણ બહાર તેમાં ભરેલા કિંમતી કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાની માહિતી રેન્જ આઈજીની ટીમને મળી હતી. જેના આધારે ટીમે હોટલના પાર્કિંગમાં દરોડો પાડતા કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું હતું.
પાંચ શખ્સો સામે કાર્યવાહી
આ કેસમાં પોલીસે માજીદ વાહીદ અલી (રહે. મલહુપુર, ઉત્તર પ્રદેશ), સાહિલ ફિરોજભાઈ મુલતાની (રહે. સુરેન્દ્રનગર), ઈકબાલ ખાન, જયરાજસિંહ રાઠોડ (રહે. ચુડા) અને જયવીરભાઈ કાઠી સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે ટેન્કરમાંથી અલગ-અલગ પ્રકારના કેમિકલની ચોરીના મામલે તપાસ શરૂ કરી છે. દરોડા દરમિયાન કેમિકલ સહિત કુલ રૂ.45.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
લાંબા સમયથી ચાલી રહ્યું હતું કૌભાંડ?
હોટલના પાર્કિંગમાં લાંબા સમયથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી રહી છે. જેના પગલે આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ચોરી કરાયેલું કેમિકલ ક્યાં અને કોને વેચવામાં આવતું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો
હાઈવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં કથિત રીતે કેમિકલ ચોરી જેવી ગંભીર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે. રેન્જ આઈજીની ટીમે કાર્યવાહી કરી સમગ્ર મામલો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પણ ચર્ચામાં આવી છે.
હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર રેકેટમાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ, કેમિકલની ચોરી કેવી રીતે કરવામાં આવતી હતી અને તેના પાછળનું મુખ્ય નેટવર્ક કોણ ચલાવતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








