અમદાવાદઃ ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર અને દિગ્ગજ સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી કલા, સંગીત અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
ગૌરાંગ વ્યાસે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત નિર્દેશક તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ભવની ભવાઈ અને લાખો ફુલાણી જેવી લોકપ્રિય ફિલ્મોમાં તેમના સંગીતની આગવી છાપ જોવા મળી હતી. ગુજરાતી સુગમ સંગીત, ગરબા, ભજનો અને નાટકો માટે પણ તેમણે અનેક યાદગાર રચનાઓ આપી હતી.
તેમની વિશેષ સિદ્ધિઓમાં લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા દિગ્ગજ પાર્શ્વગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવવાનું યોગદાન પણ સામેલ છે. લાખ લાખ દિવડા, ઘોર અંધારી રે રાતલડીમાં, દીકરી તો પારકી થાપણ અને તુ રંગાઈ જાને રંગમાં જેવી રચનાઓ આજે પણ સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે.
પિતા અવિનાશ વ્યાસના સંગીત વારસાને આગળ ધપાવતા ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી. તેમના નિધનથી ગુજરાતી સંગીત જગતને અપૂરણીય ખોટ પડી છે. તેમની મધુર રચનાઓ અને સંગીત વારસો હંમેશા ગુજરાતીઓના હૃદયમાં જીવંત રહેશે.









