રાજકોટમાં રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી રૂ.50 હજારની રોકડ ચોરી કરનાર ગેંગનો એક આરોપી પોલીસના હાથે ઝડપાયો
રાજકોટમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી રિક્ષા ગેંગનો એક સાગરીત બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો છે. આરોપીઓએ રિક્ષામાં મુસાફરી કરી રહેલા પ્રૌઢની નજર ચૂકવી ઉલ્ટી-ઉબકા થવાનું નાટક કરી ખિસ્સામાંથી રૂ.50 હજાર સેરવી લીધા હતા. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી CNG રિક્ષા સહિત કુલ રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામજોધપુરના વાંસજાળીયા ગામે રહેતા મહેન્દ્રભાઈ હમીરભાઈ મકવાણા ગત 27 ઓગસ્ટે પોતાની દીકરી માટે લેપટોપ ખરીદવાના હતા. તેથી તેઓ રૂ.50 હજાર રોકડા લઈને રાજકોટ આવ્યા હતા. કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે તેઓ રિક્ષામાં બેઠા હતા.
રિક્ષામાં પાછળની સીટ પર અગાઉથી બે અજાણ્યા શખ્સો બેઠા હતા. થોડા સમય બાદ એક શખ્સે ઉલ્ટી અને ઉબકા થવાનું નાટક શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે મહેન્દ્રભાઈની નજર ચૂકવી પેન્ટના ડાબી બાજુના આગળના ખિસ્સામાંથી રૂ.50 હજાર રોકડા કાઢી લીધા હતા.
થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદીને તેમનો સામાન રસ્તામાં પડી ગયો હોવાનું કહી રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ ત્રણેય શખ્સો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી અને રોકડ ચોરી થઈ હોવાનું માલુમ પડતાં મહેન્દ્રભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી.આર. ચૌહાણની રાહબરી હેઠળ પીએસઆઈ એન.આર. ડોબરીયા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર અને સુખદેવ દાંતીને મળેલી બાતમીના આધારે **ધનજી ઉર્ફે ધનો દેવજીભાઈ ગેડાણી (ઉં.વ.44)**ને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ.1.25 લાખની CNG રિક્ષા અને રૂ.15 હજાર રોકડા મળી કુલ રૂ.1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં તેના સાથીદારો તરીકે મોહિત દાનભાઈ ચૌહાણ અને સંજય જેશીંગ ચૌહાણના નામ સામે આવ્યા છે. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.









