ઉઝબેકિસ્તાનમાં PM મોદીની ‘ચેસ ડિપ્લોમસી’: રાષ્ટ્રપતિ મિર્જિયોયેવને આપી અનોખી ભેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ભારત અને ઉઝબેકિસ્તાનના સંબંધોમાં શતરંજનો અનોખો રંગ જોવા મળ્યો. વડાપ્રધાન મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવને શતરંજ સાથે જોડાયેલી એક ઐતિહાસિક ભેટ આપી હતી.

મોદીએ ઉઝબેક ગ્રાન્ડમાસ્ટર જાવોખિર સિંદારોવની 2025 FIDE વર્લ્ડ કપ વિજયની મૂળ હસ્તલિખિત સ્કોરશીટ રાષ્ટ્રપતિને ભેટ આપી હતી. આ મૂળ સ્કોરશીટને ખાસ લેધર કવરમાં રાખવામાં આવી હતી.

ટ્રોફી સાથેની તસવીર પણ ભેટમાં આપી

સ્કોરશીટ ઉપરાંત જાવોખિર સિંદારોવની વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીર પણ રાષ્ટ્રપતિ મિર્જિયોયેવને આપવામાં આવી હતી. તસવીરમાં સિંદારોવના ખભા પર ઉઝબેકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ જોવા મળે છે.

આ ભેટનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે તેમાં ઉઝબેકિસ્તાનના યુવા શતરંજ ખેલાડીની ઐતિહાસિક સિદ્ધિ અને ભારતમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની યાદ બંને જોડાયેલી છે.

‘ચેસ ડિપ્લોમસી’થી રમત સંબંધોને વેગ

ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના પ્રમુખ નિતીન નારંગે વડાપ્રધાન મોદીની આ પહેલને ‘ચેસ ડિપ્લોમસી’ તરીકે ઓળખાવી હતી.

મોદીની આ ભેટ માત્ર શતરંજની રમત પૂરતી સીમિત નથી. તે બંને દેશો વચ્ચેના વધતા રમતગમત સંબંધો, યુવા પ્રતિભાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગનું પણ પ્રતીક બની છે.

ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશોમાં શતરંજની લોકપ્રિયતા અને યુવા ખેલાડીઓની વધતી હાજરીને ધ્યાનમાં લેતાં, આ પહેલે કૂટનીતિમાં રમતગમતની ભૂમિકાને પણ નવી રીતે રજૂ કરી છે.

Leave a Comment

और पढ़ें