દેવભૂમિ દ્વારકા: ફિનાઈલ વેચવાના બહાને ઘરમાં ઘૂસી ખાસ કરીને એકલી રહેતી વૃદ્ધ મહિલાઓને વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના દાગીના સાફ કરવાના નામે કિંમતી ધાતુ કાઢી લેતી ગેંગનો દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી સોના-ચાંદીના ઢાળિયા, કેમિકલ, ફિનાઈલ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત રૂ.89 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ સહિતના ગામોમાં દાગીના સાફ કરી આપવાની લાલચ આપી છેતરપિંડીની ફરિયાદો મળી હતી. મહિલાઓને વિશ્વાસમાં લીધા બાદ દાગીનામાંથી સોનું કાઢી લેવાની ફરિયાદો સામે આવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી એલસીબીએ તપાસ શરૂ કરી હતી.
મિલન ચાર રસ્તા પાસેથી ચારેય ઝડપાયા
એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમે હ્યુમન સોર્સ તથા બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમી મળતાં ખંભાળિયાના મિલન ચાર રસ્તા નજીકના એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
અહીંથી બિહારના મૂળ રહેવાસી સુબોધસિંગ હિયાલાલસિંગ ખારવા, વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકોર, સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા અને અનિરુદ્ધ દિનેશ ભોજલ ઠાકુરને ઝડપી લેવાયા હતા. આરોપીઓ પૈકી કેટલાક રાજકોટમાં રહી ફિનાઈલ વેચતા હોવાનું પણ સામે આવ્યું છે.
પહેલાં મૂર્તિ ચમકાવી વિશ્વાસ જીતતા
આ ગેંગની છેતરપિંડી કરવાની રીત પણ ચોંકાવનારી છે. આરોપીઓ ગામડાઓમાં જઈ ફિનાઈલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશતા હતા. ઘરમાં વૃદ્ધ મહિલા એકલી હોય તો તેની સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવતા હતા.
ત્યારબાદ ભગવાનની મૂર્તિઓને એસિડ અને અન્ય પદાર્થોથી સાફ કરીને ચમકાવી આપતા હતા. મૂર્તિ ચમકતી જોઈને મહિલાઓનો વિશ્વાસ વધે તે પછી તેઓ ચાંદીના દાગીના સાફ કરી આપવાની ઓફર કરતા હતા.
ચાંદીના દાગીના સાફ કર્યા બાદ સોનાના દાગીના પણ ચમકાવી આપવાની લાલચ આપવામાં આવતી હતી.
કેમિકલની મદદથી દાગીનામાંથી કિંમતી ધાતુ કાઢતા
પોલીસ તપાસ મુજબ આરોપીઓ એસિડ સહિતના કેમિકલનો ઉપયોગ કરીને દાગીના સાફ કરવાની પ્રક્રિયા કરતા હતા. આ દરમિયાન દાગીનામાંથી સોનું અને ચાંદી કાઢી લેતા હતા અને મહિલાઓને તેની જાણ પણ ન થાય તે રીતે છેતરપિંડી કરતા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઢાળિયા ઉપરાંત એસિડ, ફિનાઈલ, બ્રશ, પાઉડર, ફટકડી, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અન્ય ગુનાઓ અંગે પણ તપાસ
ચારેય આરોપીઓ પાસેથી કુલ રૂ.89 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓને વધુ તપાસ માટે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે.
હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગેંગે દ્વારકા જિલ્લાના અન્ય ગામો ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી છે કે નહીં.









