ઉત્તર ભારતમાં વરસાદી આફત: ઉત્તરાખંડ-આસામમાં 11નાં મોત, અનેક વિસ્તારોમાં પૂર

નવી દિલ્હી: સપ્ટેમ્બરની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. ઉત્તરાખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ઉત્તરાખંડમાં 7 અને આસામમાં 4 લોકો સહિત અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે.

ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ટિહરી, નૈનીતાલ અને પૌડી જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડા ગામમાં મકાન પર કાટમાળ પડતાં બે મહિલાઓ અને એક બાળકનાં મોત થયાં છે. અન્ય એક ઘટનામાં નેપાળના બે મજૂરો પણ કાટમાળ નીચે દટાઈ જતાં જીવ ગુમાવ્યા છે.

પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં 26 વર્ષીય મહિલા અને તેની દોઢ વર્ષની પુત્રીનું મોત થયું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ત્રણ નેશનલ હાઇવે સહિત 172થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ બંધ થતાં બાગેશ્વરમાં એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો કલાકો સુધી અટવાયા હતા.

સતત વરસાદને કારણે સોનપ્રયાગ ખાતે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહનગર અને પિથોરાગઢમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આસામમાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ત્રણનાં મોત

ગુવાહાટીના મથઘરિયા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના દંપતી અને 11 વર્ષની બાળકીનાં મોત થયાં છે. અન્ય એક ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થતાં આસામમાં વરસાદ અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક ચાર થયો છે.

મંદાકિની નદી ભયજનક સપાટીથી 4 મીટર ઉપર વહી રહી છે. રામઘાટ અને નિર્મોહી અખાડા જેવા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકોને સેનાના હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે.

વારાણસીમાં ઘાટો પાણીમાં ગરકાવ

વારાણસીમાં ગંગા નદી ચેતવણીના સ્તરને વટાવી ગઈ છે. મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્કાર માટે છતનો સહારો લેવો પડી રહ્યો છે.

બલિયામાં ગંગા ખતરાના નિશાનથી 1.60 મીટર ઉપર વહી રહી છે, જેના કારણે 20 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. સીતાપુરમાં દીવાલ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયા છે.

ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.

Leave a Comment

और पढ़ें