IRDAIની ‘Public Insurance Registry’ બનાવવાની તૈયારી : એક યુનિક આઈડીથી પોલિસી, પ્રીમિયમ અને ક્લેમની સંપૂર્ણ માહિતી મળશે
નવી દિલ્હી: દેશમાં વીમા ક્ષેત્રના સતત વિસ્તરણ વચ્ચે હવે વીમાધારકો માટે તમામ વીમા સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) દ્વારા ‘Public Insurance Registry’ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર થયા બાદ વીમાધારકો પોતાની અલગ-અલગ વીમા પોલિસીની માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે. હાલમાં અલગ-અલગ કંપનીઓમાં લીધેલી પોલિસી માટે જુદી-જુદી રીતે માહિતી મેળવવી પડે છે, પરંતુ નવી વ્યવસ્થાથી આ પ્રક્રિયા સરળ બની શકે છે.
એક આઈડીથી તમામ પોલિસીનો રેકોર્ડ
જો કોઈ વ્યક્તિએ અલગ-અલગ હેતુ માટે અલગ-અલગ વીમા કંપનીઓ પાસેથી પોલિસી લીધી હોય તો પણ પ્રસ્તાવિત પોર્ટલ પર એક યુનિક આઈડી દ્વારા તમામ પોલિસીની વિગતો એકસાથે મેળવી શકાશે.
પોલિસીના લાભ, પોલિસીની સ્થિતિ, કેટલું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે અને અન્ય મહત્વની વિગતો પણ પોર્ટલ પર જોઈ શકાશે. આથી વીમાધારકને પોતાની તમામ પોલિસીનો એક જ સ્થળે રેકોર્ડ મળી રહેશે.
ક્લેમનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શકાશે
નવા પ્લેટફોર્મ પર વીમાધારક પોતાના ક્લેમની સ્થિતિ ટ્રેક કરી શકશે. સાથે જ નોમિની સંબંધિત માહિતી, અનક્લેમ્ડ વીમા અને અન્ય વીમા સેવાઓની વિગતો પણ મેળવી શકાશે.
વીમા સંબંધિત કોઈ સેવા માટે અલગ-અલગ કંપનીઓની વેબસાઈટ કે ઓફિસમાં જવાની જગ્યાએ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સેવા મેળવવાની વ્યવસ્થા ઉભી કરવાની યોજના છે.
કંપની સામે ફરિયાદ પણ કરી શકાશે
વીમા પોલિસી અથવા કંપનીની સેવા અંગે કોઈ ફરિયાદ હોય તો વીમાધારક આ પોર્ટલ પરથી ફરિયાદ પણ નોંધાવી શકશે. આમ, પોલિસીની માહિતીથી લઈને ક્લેમ અને ફરિયાદ સુધીની વિવિધ સેવાઓ એક જ છત્ર હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
30 સપ્ટેમ્બર સુધી સૂચનો મંગાવાયા
Public Insurance Registry અંગે હાલમાં હિતધારકો પાસેથી સૂચનો અને અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર સુધી મળનારા સૂચનોના આધારે અંતિમ પોર્ટલ તૈયાર કરવામાં આવશે.
નવી વ્યવસ્થા અમલમાં આવે તો વીમાધારકો માટે તેમની તમામ પોલિસીનું સંચાલન કરવું, પ્રીમિયમની વિગતો તપાસવી, ક્લેમની સ્થિતિ જાણવી અને ફરિયાદ નોંધાવવી વધુ સરળ બની શકે છે.








