ડેટિંગ એપની એજન્સી અપાવવાના બહાને રૂ.17.81 લાખની છેતરપિંડી, રાજસ્થાનથી ઠગ ઝડપાયો

25% કમિશનની લાલચ આપી શાપરના યુવકને ફસાવ્યો : QR કોડ મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી લાખો પડાવ્યા

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે ડેટિંગ એપની એજન્સી અપાવવાના નામે લાખોની છેતરપિંડી કરનાર રાજસ્થાનના શખ્સને ઝડપી પાડ્યો છે. ટોકી એપ પર એજન્ટ તરીકે ઓળખ આપી શાપરના યુવકને એજન્સી આપવાની લાલચ આપવામાં આવી હતી. એજન્સી મળ્યા બાદ કોઈનના વેચાણ પર 25 ટકા કમિશન અને અન્ય લાભો મળવાની વાત કરી આરોપીએ યુવક પાસેથી અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.17,81,173 પડાવી લીધા હતા.

ફરિયાદી ટોકી એપ પર રિચાર્જ કરી કોઈન ખરીદતો હતો. આ દરમિયાન મોબાઇલ નંબર પરથી સંપર્ક કરનાર શખ્સે પોતે કંપનીનો એજન્ટ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એજન્સી ખરીદવા, આઈડી શરૂ કરવા અને એપ્રુવલ પ્રક્રિયાના બહાને વિવિધ QR કોડ મોકલી રકમ ટ્રાન્સફર કરાવી હતી. લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પણ એજન્સી કે આઈડી આપવામાં આવી નહોતી. આરોપીઓ વધુ પૈસાની માંગણી કરતા રહેતાં ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

બેન્ક એકાઉન્ટમાંથી રૂ.9.30 લાખની કડી મળી

પોલીસ તપાસમાં આરોપી સુરેન્દ્રકુમાર હીરાલાલ સીહાગ, રહે. મોલીસર બાડા, ચુરૂ, રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું. આરોપીના પિતાના નામે રહેલા બેન્ક એકાઉન્ટમાં ફરિયાદી સાથે થયેલા સાયબર ફ્રોડના આશરે રૂ.9.30 લાખ જમા થયાની માહિતી મળી હતી. પોલીસે સંબંધિત બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી આશરે રૂ.5 લાખની રકમ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી.

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમની ટીમ રાજસ્થાન પહોંચી આરોપીને ઝડપી પાડી તેનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.


નિવૃત્ત CRPF અધિકારી બની ફર્નિચરના નામે રૂ.12 હજારની ઠગાઈ

બીજા કેસમાં પણ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે નિવૃત્ત આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CRPF હોવાનું જણાવી ફર્નિચર કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી હતી. સીધી કંપનીમાંથી હોલસેલ ભાવે ફર્નિચર વેચતો હોવાનું કહી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો.

ફરિયાદીએ રૂ.60 હજારમાં ફર્નિચર ખરીદવાનું નક્કી કરતાં આરોપીએ એડવાન્સ પેટે રૂ.12 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. રકમ મળ્યા બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

ટેકનિકલ તપાસમાં આરોપી નુરદીન અસલુપ મેવ, રહે. પીન્સુ, ડીગ, રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઈમ અને શાપર પોલીસની ટીમે રાજસ્થાન પહોંચી આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ તથા મોબાઇલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટેકનિકલ તપાસથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

બંને કેસમાં પોલીસ દ્વારા બેન્ક એકાઉન્ટ, મોબાઇલ નંબર, સોશિયલ મીડિયા અને અન્ય ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમની ટીમે રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ઓનલાઈન એજન્સી, કમિશન કે સસ્તા માલના નામે કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે.

Leave a Comment

और पढ़ें