સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી : બિહારી ગેંગના ચાર શખ્સો ખંભાળિયાથી ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી બિહારની આ ગેંગના ચાર શખ્સોને ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ વિસ્તારમાં કેટલાક ઘરોમાં આરોપીઓ ફિનાઈલ વેચવાના બહાને પ્રવેશતા હતા. ત્યારબાદ ઘરમાં હાજર મહિલાઓને વિશ્વાસમાં લઈને ભગવાનની મૂર્તિઓ તેમજ સોના-ચાંદીના દાગીના સાફ કરી આપવાની વાત કરતા હતા. દાગીના સાફ કરવાની પ્રક્રિયા દરમિયાન ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરી તેમાંથી સોનું અને ચાંદી કાઢી લેતા હોવાનું સામે આવ્યું છે.

આ બનાવોની તપાસ દરમિયાન જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમે તપાસ તેજ કરી હતી. માનવ સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન બિહારના મૂળ રહેવાસી અને હાલ રાજકોટમાં રહી ફિનાઈલ વેચતા સુબોધસિંગ હિયાલાલસિંગ ખારવા, વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકોર તેમજ સોના-ચાંદી સાફ કરવાનું કામ કરતા સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા અને અનિરુદ્ધ દિનેશ ભોજલ ઠાકુરને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના ઢાળિયા, મોબાઈલ ફોન, મોટરસાયકલ તથા છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતી એસિડ, ફિનાઈલ, બ્રશ, પાઉડર અને ફટકડી સહિતની સામગ્રી કબજે કરી છે. કુલ રૂ.89,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને વધુ તપાસ માટે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે.

વૃદ્ધ મહિલાઓને બનાવતા હતા ટાર્ગેટ

પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ ખાસ કરીને એવા ગ્રામ્ય વિસ્તારોમાં જતા હતા જ્યાં ઘરમાં વૃદ્ધ મહિલા એકલી હોય. પ્રથમ ફિનાઈલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશ કર્યા બાદ ભગવાનની મૂર્તિ સાફ કરી મહિલાનો વિશ્વાસ જીતતા હતા.

ત્યારબાદ ચાંદીના દાગીના સાફ કરવાની વાત કરી અને વિશ્વાસ બેસી જાય પછી સોનાના દાગીના પણ સાફ કરી આપવાની લાલચ આપતા હતા. કેમિકલની મદદથી દાગીનામાંથી સોનું-ચાંદી કાઢી લીધા બાદ તેઓ ત્યાંથી નીકળી જતા હતા.

અજાણ્યા શખ્સોથી સાવધાન રહેવા પોલીસની અપીલ

જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે ફિનાઈલ વેચવાના બહાને કે સોના-ચાંદીની વસ્તુઓ સાફ કરી આપવાના બહાને કોઈ અજાણ્યો શખ્સ ઘરે આવે તો તેના પર વિશ્વાસ ન કરવો. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો.

Leave a Comment

और पढ़ें