નવી દિલ્હી: તહેવારોની સિઝન નજીક આવતાં સરકારી કર્મચારીઓમાં બોનસને લઈને અપેક્ષાઓ વધી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં રૂ.7,000ની મર્યાદાને આધારે બોનસની ગણતરી કરવામાં આવે છે, પરંતુ હવે આ મર્યાદા વધારીને રૂ.21,000 કરવાની માંગ કરવામાં આવી છે.
કેન્દ્રના કામદાર અને રોજગાર મંત્રાલયે બોનસની ગણતરી માટે રૂ.7,000 અથવા કર્મચારી માટે નક્કી કરાયેલા લઘુતમ વેતનમાંથી જે રકમ વધુ હોય, તેને આધાર બનાવવાનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણય બાદ કર્મચારી સંગઠનોએ બોનસની ગણતરીની મર્યાદામાં વધુ વધારો કરવાની માંગ ઉઠાવી છે.
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સેક્રેટરી શિવા ગોપાલ મિત્રાએ 27 ઓગસ્ટે કેબિનેટ સચિવ અને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. તેમાં બોનસની ગણતરી માટે લઘુતમ મર્યાદા રૂ.21,000 રાખવાની માંગ કરવામાં આવી છે.
કર્મચારી સંગઠનની દલીલ છે કે જ્યારે સરકાર દ્વારા લઘુતમ વેતનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે બોનસની ગણતરી માટેની મર્યાદા પણ જૂની રૂ.7,000ની જગ્યાએ વધારવી જોઈએ. તેથી તમામ સરકારી વિભાગોને રૂ.21,000ની મર્યાદાને ધ્યાનમાં રાખીને બોનસની ગણતરી કરવા સૂચના આપવા રજૂઆત કરવામાં આવી છે.
અગાઉ 25 ઓગસ્ટના પરિપત્રમાં રૂ.7,000ની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ, કામદાર મંત્રાલયે લઘુતમ વેતનના દરોમાં પણ વધારો કર્યો છે. બિનકુશળ કર્મચારીઓ માટે રૂ.783 પ્રતિ દિવસ એટલે કે આશરે રૂ.20,358 માસિક, અર્ધકુશળ કર્મચારીઓ માટે રૂ.868 પ્રતિ દિવસ એટલે કે આશરે રૂ.22,568 માસિક અને કુશળ કર્મચારીઓ માટે રૂ.1,035 પ્રતિ દિવસ એટલે કે આશરે રૂ.26,910 માસિક લઘુતમ વેતન જાહેર કરવામાં આવ્યું છે.
દરમિયાન, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના પગારની સમીક્ષા માટે નવા નાણાં પંચની રચના કરી છે. તેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. નવા નાણાં પંચની ભલામણો લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે.
હવે દિવાળીના તહેવારો પહેલાં બોનસની મર્યાદામાં વધારો થાય છે કે નહીં તેના પર કર્મચારીઓની નજર છે. જો સરકાર રૂ.21,000ની મર્યાદાની માંગ સ્વીકારે તો કર્મચારીઓને મળનારા બોનસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે, હાલ રૂ.21,000ની મર્યાદા અંગે માત્ર માંગ કરવામાં આવી છે અને સરકારનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.









