1901 બાદ ઓગસ્ટમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન; સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઓછો અને ગરમી વધુ રહેવાની આગાહી
નવી દિલ્હી: દેશ માટે આ વખતનો ઓગસ્ટ મહિનો ગરમીના નવા રેકોર્ડ સાથે પસાર થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં દેશનું સરેરાશ લઘુત્તમ તાપમાન 24.36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષ 1901 પછીનું સૌથી વધુ છે. જ્યારે સરેરાશ તાપમાન 20.01 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે પણ અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી વધુ છે.
ઓગસ્ટમાં દેશમાં કુલ 213.3 મિ.મિ. વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 16 ટકા ઓછો છે. આમ, ચોમાસું નબળું રહેવાની સાથે ઓગસ્ટમાં ગરમીએ પણ રેકોર્ડ તોડ્યો છે.
સપ્ટેમ્બરમાં પણ ચોમાસું નબળું રહેવાની શક્યતા
ઓગસ્ટ બાદ હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદની ઘટ રહેવાની આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બરનો સામાન્ય વરસાદ 167.9 મિ.મિ. છે, પરંતુ આ વખતે સામાન્યના માત્ર 91 ટકા વરસાદ થવાની સંભાવના છે. એટલે કે વરસાદમાં આશરે 9 ટકાની ઘટ રહી શકે છે.
દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. જોકે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પૂર્વ-મધ્ય ભારત અને દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પીય ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.
1 જૂનથી 31 ઓગસ્ટ સુધીની સમગ્ર ચોમાસાની સીઝનમાં વરસાદની ઘટ 13.8 ટકા નોંધાઈ છે.
અલ-નીનોની અસર હજુ યથાવત
હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસાની બાકીની અવધિ દરમિયાન પણ અલ-નીનોની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક ડાયનેમિક મોડલમાં અલ-નીનો વધુ મજબૂત થવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે.
ઓછો વરસાદ, વધુ ગરમીથી ચિંતા
સપ્ટેમ્બરમાં એક તરફ વરસાદ ઓછો રહેવાની સંભાવના છે, તો બીજી તરફ ગરમી પણ વધવાની આગાહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
એટલે કે સપ્ટેમ્બરમાં પણ ‘વરસાદ ઓછો અને ગરમી વધુ’ રહેવાની સ્થિતિ દેશ માટે ચિંતાજનક બની શકે છે.









