યુપી ચૂંટણી પહેલાં સપાનું મોટું વચન : મહિલાઓને વર્ષે રૂ.40 હજારની આર્થિક સહાય
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહિલાઓને કેન્દ્રમાં રાખીને મોટી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે કહ્યું છે કે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો ‘સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના’ અમલમાં મૂકવામાં આવશે અને મહિલાઓને દર વર્ષે રૂ.40 હજારની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાને પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવશે.
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે આ યોજના મહત્વપૂર્ણ રહેશે. શરૂઆતમાં વાર્ષિક રૂ.40 હજારની સહાય આપવામાં આવશે અને ભવિષ્યમાં આ રકમમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ તેમણે સરકાર બનશે તો મહિલાઓની સુરક્ષાના મુદ્દે કોઈ સમાધાન નહીં કરવાની ખાતરી આપી હતી.
સપા સાંસદ ડિમ્પલ યાદવે પણ યોજનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે તેનો અમલ તબક્કાવાર કરવામાં આવશે અને સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવશે. આ યોજના દ્વારા મહિલાઓને નાણાકીય સહાય ઉપરાંત શિક્ષણ, તાલીમ અને રોજગારની તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
અખિલેશ યાદવે વિદ્યાર્થીઓ માટે પણ મોટું વચન આપ્યું છે. સપાની સરકાર બનશે તો ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરનાર દીકરીઓને લેપટોપ આપવાની યોજના ફરી શરૂ કરવાની વાત તેમણે કરી છે. આમ, 2027ની ચૂંટણી પહેલાં મહિલા મતદારોને આકર્ષવા માટે સમાજવાદી પાર્ટીએ આર્થિક સહાય, સુરક્ષા અને શિક્ષણને કેન્દ્રમાં રાખી પોતાની રણનીતિ આગળ ધપાવી છે.








