અગ્નિ-પૃથ્વી મિસાઈલના ઉત્પાદનમાં ખાનગી કંપનીઓની એન્ટ્રી

નવી દિલ્હી: ભારત હવે વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવા જઈ રહ્યું છે. સરકાર દ્વારા અગ્નિ અને પૃથ્વી શ્રેણીની મિસાઈલ તેમજ સબમરીનથી લોન્ચ કરી શકાય તેવી કે-સિરીઝ અને કે-15 ‘સાગરીકા’ મિસાઈલના ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રને તક આપવાની તૈયારી કરવામાં આવી છે. અત્યાર સુધી આવા સંવેદનશીલ સંરક્ષણ ઉત્પાદન માટે મુખ્યત્વે સરકારી સંસ્થાઓ પર નિર્ભરતા રહી છે.

આ માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) બે ખાનગી કંપનીઓને ‘ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર’ તરીકે પસંદ કરશે. પસંદ થનારી કંપનીઓને મિસાઈલોના ઉત્પાદન માટે સરકારી ઓર્ડર આપવામાં આવશે. કંપનીની નાણાકીય ક્ષમતા, સંરક્ષણ ક્ષેત્રનો અનુભવ અને જરૂરી ટેક્નિકલ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે.

આ મિસાઈલોમાં અણુશસ્ત્રો વહન કરી શકાય તેવા વોરહેડનો ઉપયોગ થઈ શકે છે, જોકે સરકારના પ્રસ્તાવમાં સીધો અણુશસ્ત્રોના ઉત્પાદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખાનગી કંપનીઓને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરવા પાછળનો મુખ્ય હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનની ગતિ વધારવાનો અને સરકારી સંસ્થાઓ પરનો ભાર ઘટાડવાનો છે.

પસંદ થનારી કંપની પાસે સંરક્ષણ ઉત્પાદનનું જરૂરી લાયસન્સ હોવું ઉપરાંત વિસ્ફોટકોના સંચાલન માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO)ના સુરક્ષા ધોરણો પૂર્ણ કરવાની ક્ષમતા હોવી જરૂરી રહેશે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ આ પ્રકારના સંરક્ષણ ઉત્પાદન માટે સક્ષમ માનવામાં આવે છે.

સરકારના આ નિર્ણયથી ભારતના વ્યૂહાત્મક સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભૂમિકા વધુ મજબૂત બનશે. સાથે જ મિસાઈલ અને અન્ય સંવેદનશીલ સંરક્ષણ સાધનોના ઉત્પાદનને ઝડપી બનાવવામાં પણ મદદ મળશે.

Leave a Comment

और पढ़ें