દિલ્હી-એનસીઆરમાં બીજા દિવસે પણ આભ ફાટ્યું : રસ્તાઓ પર જળબંબાકાર, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

દિલ્હી-એનસીઆરમાં સોમવાર બાદ મંગળવારે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વહેલી સવારથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજધાનીના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગે સેન્ટ્રલ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, ન્યૂ દિલ્હી, નોર્થ દિલ્હી, નોર્થ-ઈસ્ટ દિલ્હી, શાહદરા, સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હી સહિતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

ગુરુગ્રામમાં પણ વરસાદના કારણે સ્થિતિ વધુ વણસી છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓએ કોર્પોરેટ ઓફિસો, સરકારી વિભાગો અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને વર્ક ફ્રોમ હોમ તથા ઓનલાઈન ક્લાસ ચલાવવાની સૂચના આપી છે.

દિલ્હીના લુટિયન્સ વિસ્તાર, મથુરા રોડ, કોનોટ પ્લેસ, ભૈરો માર્ગ, આઈટીઓ, સદર બજાર, સંગમ વિહાર, જનકપુરી અને જખીરા અન્ડરપાસ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સરાય કાલે ખાં, દ્વારકા એક્સપ્રેસવે અને સેન્ટ્રલ દિલ્હીના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. સતત વરસાદને પગલે રાજધાનીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें