સાધ્વી યૌન શોષણ કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને હરિયાણા સરકારે ફરી 21 દિવસની પેરોલ મંજૂર કરી છે. પેરોલ મળ્યા બાદ રામ રહીમ 17મી વખત જેલમાંથી બહાર આવશે.
રામ રહીમ હાલમાં હરિયાણાની સુનારીયા જેલમાં સજા ભોગવી રહ્યો છે. અગાઉની પેરોલ દરમિયાન તેને ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બરનાવા આશ્રમમાં રહેવાની મંજૂરી આપવામાં આવતી હતી. જોકે આ વખતે સતત ત્રીજી વખત તેને હરિયાણાના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના મુખ્ય આશ્રમમાં રહેવાની મંજૂરી મળી છે.
વર્ષ 2017માં સીબીઆઈની વિશેષ અદાલતે બે સાધ્વીઓના યૌન શોષણના કેસમાં રામ રહીમને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે બંને કેસમાં તેને 10-10 વર્ષની જેલ સજા ફટકારી હતી. બંને સજાઓ એકસાથે નહીં પરંતુ ક્રમશઃ ભોગવવાની છે.
રામ રહીમને વારંવાર પેરોલ મળતી હોવાને કારણે અગાઉ પણ રાજકીય અને સામાજિક સ્તરે અનેક સવાલો ઉઠ્યા છે. તેમ છતાં જેલ પ્રશાસન અને સરકારના નિયમો હેઠળ તેને સમયાંતરે પેરોલ આપવામાં આવી રહી છે. હવે ફરી 21 દિવસ માટે જેલની બહાર આવવાની મંજૂરી મળતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.








