ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો : દેશનું ત્રીજું એન્ટી-સબમરીન વોટરક્રાફ્ટ ‘I.N.S. માંગરોલ’ અર્પણ

80 ટકા સ્વદેશી જલયાન ઓછા ઊંડા પાણીમાં સબમરીન શોધી તેનો સામનો કરવા સક્ષમ

ભારતીય નૌકાદળને વધુ એક આધુનિક યુદ્ધ જહાજ મળ્યું છે. દેશનું ત્રીજું સબમરીન વિરોધી શેલો વોટર ડ્રાફ્ટ વોટરક્રાફ્ટ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ નવા જલયાનનું નામ સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર માંગરોલની યાદમાં ‘I.N.S. માંગરોલ’ રાખવામાં આવ્યું છે.

ઓછા ઊંડા દરિયામાં કામગીરી માટે તૈયાર કરવામાં આવેલા આ વોટરક્રાફ્ટની સૌથી મહત્વની જવાબદારી દુશ્મનની સબમરીનને શોધવાની અને તેનો સામનો કરવાની રહેશે. દરિયાઈ વિસ્તારમાં નૌકાદળના મોટા યુદ્ધ જહાજોની સુરક્ષા માટે પણ તે ઉપયોગી સાબિત થશે.

સબમરીન સાથે દરિયાઈ સુરંગો પણ શોધી શકશે

I.N.S. માંગરોલમાં આધુનિક સોનાર સિસ્ટમ લગાવવામાં આવી છે. સોનારની મદદથી પાણીની અંદર રહેલી સબમરીન સહિતની શંકાસ્પદ ગતિવિધિઓને શોધી શકાય છે. સાથે જ રડાર સિસ્ટમ દ્વારા આસપાસના દરિયાઈ વિસ્તારમાં સતત નજર રાખી શકાય છે.

આ વોટરક્રાફ્ટ સમુદ્રી સુરંગો શોધવા તેમજ જરૂરી કામગીરી કરવા માટે પણ સક્ષમ છે. ખાસ કરીને બંદરો અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોની સુરક્ષામાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે.

80 ટકા સ્વદેશી ટેક્નોલોજી

આ જલયાનમાં આશરે 80 ટકા સ્વદેશી ટેક્નોલોજી અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે દુશ્મનના જહાજો સામે ટોર્પિડો અને સમુદ્રી રોકેટ જેવા હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે.

નાના કદ અને ઓછા ઊંડા પાણીમાં કામગીરી કરવાની ક્ષમતાને કારણે આ વોટરક્રાફ્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી અને અસરકારક કામગીરી કરી શકશે.

સૌરાષ્ટ્રના માંગરોલના નામે નામકરણ

સૌરાષ્ટ્રનું માંગરોલ એક સમયે મહત્વપૂર્ણ વ્યાપારી અને દરિયાઈ પ્રવૃત્તિ માટે જાણીતું હતું. આ ઐતિહાસિક ઓળખને યાદ રાખીને આધુનિક નૌકાદળના આ જલયાનને I.N.S. માંગરોલ નામ આપવામાં આવ્યું છે.

આ વોટરક્રાફ્ટના સામેલ થવાથી ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર, દરિયાઈ દેખરેખ અને બંદર સુરક્ષા ક્ષમતામાં વધુ વધારો થશે.

Leave a Comment

और पढ़ें