ગિનીમાં કચરાનો પહાડ બન્યો મોતનું કારણ : ભૂસ્ખલનમાં 30 લોકોના મોત

ભારે વરસાદ બાદ કચરાનો વિશાળ ઢગલો ધસી પડ્યો : અનેક મકાનો દટાયા, 6 લોકો ગંભીર

પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે વરસાદ બાદ કચરાના વિશાળ ઢગલામાં ભૂસ્ખલન થતાં કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. શહેરના સૌથી મોટા લેન્ડફિલ વિસ્તારમાં કચરાનો પહાડ તૂટી પડતાં 30 લોકોનાં મોત થયા છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

રાત્રે ભારે વરસાદ, વહેલી સવારે કાળ બની ઘટના

મળતી માહિતી મુજબ રવિવારે વહેલી સવારે દાર-એ-સલામ વિસ્તારમાં આવેલી લેન્ડફિલ સાઇટ પર આ દુર્ઘટના બની હતી. રાત્રે આશરે 2 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે કચરાના વિશાળ ઢગલામાં અસ્થિરતા સર્જાઈ અને અચાનક તેનો મોટો હિસ્સો નીચે તરફ ધસી પડ્યો હતો.

કચરાના ઢગલાની નજીક આવેલા ઝૂંપડાં અને મકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. લોકો ઊંઘમાં હોવાથી તેમને બચવાની તક પણ મળી નહોતી.

બચાવ કામગીરીમાં મુશ્કેલી

દુર્ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કચરા અને કાટમાળના વિશાળ ઢગલા વચ્ચે દટાયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 30 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે છ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અનેક મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

શહેરના સૌથી મોટા લેન્ડફિલને બંધ કરવાનો નિર્ણય

ગિની સત્તાવાળાઓએ આ દુર્ઘટના બાદ શહેરના સૌથી મોટા ખુલ્લા કચરાના ઢગલાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મિલિટરી એન્જિનિયરિંગ બટાલિયનના સેનિટેશન અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડે મામાદૌ બાઇલોના જણાવ્યા મુજબ લેન્ડફિલને રવિવારથી બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાએ ગિનીમાં ખુલ્લા કચરાના ઢગલા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ભારે વરસાદ દરમિયાન લેન્ડફિલની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

Leave a Comment

और पढ़ें