ચૂંટણી પહેલાં ભાજપનો ‘મેગા પ્લાન’ : યુવાનો પર ખાસ ફોકસ

નવી ટીમને જમીનથી સોશિયલ મીડિયા સુધી સક્રિય થવા સૂચના, ગુજરાત સહિત 7 રાજ્યો પર નજર

નવી દિલ્હી: ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ હવે પક્ષે આગામી વિધાનસભા ચૂંટણીઓથી લઈને 2029ની લોકસભા ચૂંટણી સુધીની તૈયારીઓને ગતિ આપી છે. નવી ટીમના હોદ્દેદારો સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપરાંત નવી પેઢી, ખાસ કરીને જેન-ઝી અને જેન-આલ્ફા સાથે સીધો સંપર્ક વધારવા અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પક્ષની નવી વ્યૂહરચનામાં માત્ર સંગઠનના પરંપરાગત માળખા પૂરતું મર્યાદિત ન રહેતા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સક્રિયતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. યુવાનોના પ્રશ્નો, તેમની અપેક્ષાઓ અને બદલાતી રાજકીય માનસિકતાને સમજવા માટે સંગઠનને ગ્રાઉન્ડ લેવલ પર વધુ સક્રિય રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી ‘મિશન ચૂંટણી’

આગામી સમયમાં ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક બાદ હવે ભાજપે ચૂંટણીલક્ષી એજન્ડા તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશમાં 2024ની લોકસભા ચૂંટણીના અનુભવને ધ્યાનમાં રાખીને 2029 માટે સંગઠનને ફરી મજબૂત બનાવવાનો પડકાર છે. જ્યારે પંજાબમાં પક્ષનો જનાધાર વધારીને બીજા ક્રમની સ્થિતિ મેળવવાનું લક્ષ્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં લાંબા સમયથી જળવાયેલો રાજકીય દબદબો જાળવી રાખવો, હિમાચલમાં સત્તામાં વાપસી કરવી તથા ગોવા અને ઉત્તરાખંડમાં સરકાર જાળવી રાખવી ભાજપ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

જેન-ઝીને જોડવાનો મોટો પડકાર

ભાજપે યુવા પેઢીને ખાસ મહત્વ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ટીમને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવા અને યુવાનો સાથે સંવાદ વધારવા સૂચના આપી હોવાનું જણાવાય છે.

જોકે પક્ષ માટે પડકાર એ છે કે માત્ર સોશિયલ મીડિયા અભિયાનથી યુવાનો સાથે લાંબા ગાળાનો જોડાણ કેવી રીતે બનાવવો. રોજગાર, શિક્ષણ, પરીક્ષા, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ અંગે યુવા મતદારોના પ્રશ્નોને સમજવા તથા તેના ઉકેલ અંગે વિશ્વસનીય સંવાદ ઊભો કરવો ભાજપ માટે મહત્વપૂર્ણ રહેશે.

17 સપ્ટેમ્બરથી દેશવ્યાપી અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સેવા-સમર્પણ’ અભિયાન યોજવાની તૈયારી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001થી શરૂ થયેલી મોદીની રાજકીય સફરથી લઈને અત્યાર સુધીની કામગીરી અને સેવા સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમો આ અભિયાન હેઠળ યોજાશે.

નવી રાષ્ટ્રીય ટીમ સાથે પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીઓની બેઠકમાં પણ આગામી કાર્યક્રમો અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.

‘વંદેમાતરમ’ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની તૈયારી

ભાજપ હવે ‘વંદેમાતરમ’ના મુદ્દે પણ કોંગ્રેસને રાજકીય રીતે ઘેરવાની તૈયારીમાં છે. મહાત્મા ગાંધીના વંદેમાતરમ અંગેના વિચારોને આગળ ધરીને ભાજપ આ ગીતના ઐતિહાસિક મહત્વ અને સ્વતંત્રતા સંગ્રામ સાથેના જોડાણને લોકો સમક્ષ રજૂ કરશે.

વંદેમાતરમના કેટલા અંશો ગાવા અને તેને રાષ્ટ્રગીત સમાન સન્માન આપવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય મતભેદ ઊભો થયો છે. ભાજપ આ મુદ્દાને કોંગ્રેસના કથિત તુષ્ટીકરણ સાથે જોડીને દેશભરમાં જનતા સુધી પહોંચાડવાની રણનીતિ બનાવી રહ્યું હોવાનું જણાવાય છે.

Leave a Comment

और पढ़ें