NICUમાં વહેલી સવારે ભીષણ આગથી અફરાતફરી : 12 શિશુઓ સારવાર હેઠળ, 6ની હાલત ગંભીર
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની સરકારી મહિલા હોસ્પિટલમાં વહેલી સવારે NICUમાં વેન્ટિલેટરમાં અચાનક ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળતાં ત્રણ નવજાત શિશુઓનાં કરુણ મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, સવારે આશરે 3:30 વાગ્યે NICUમાં રહેલા એક વેન્ટિલેટરમાં જોરદાર ધડાકો થયો હતો. ત્યારબાદ આગ લાગતાં સમગ્ર વોર્ડમાં ઘાટો ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘટનાસમયે વોર્ડમાં આશરે 12 નવજાત શિશુઓ સારવાર હેઠળ હતાં.
આગની જાણ થતાં નાઈટ ડ્યુટી પરના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ બાળકોને વોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા.
જોકે, ધુમાડો શ્વાસમાં જતાં ત્રણ નવજાત શિશુઓનાં મોત થયાં હોવાનું જણાવાયું છે. અન્ય શિશુઓમાંથી છની હાલત ગંભીર હોવાથી તેમને અમરાવતીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
ફાયર બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફે આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલના અન્ય વિભાગોમાં રહેલા બાળકો સહિત કુલ 36 જેટલા નવજાત શિશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક તબક્કે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.








