ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર એમ.એસ. સભરવાલ સામે દુશ્મન સાથે સંવેદનશીલ સૈન્ય માહિતી શેર કરવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નાણાં તથા કથિત રીતે ન્યુડ તસવીરોના બદલામાં તેમણે એક કથિત જાસૂસને સેનાની ગુપ્ત માહિતી પહોંચાડી હતી.
તપાસ મુજબ, લીક થયેલા દસ્તાવેજોમાં ડ્રોન યુનિટની બે મહત્વપૂર્ણ ઓપરેશનલ તૈનાતી જગ્યાઓની વિગતો હતી. આરોપ છે કે સભરવાલે પોતાની યુનિટના ગોપનીય વોર પ્લાનનું એક પેજ કથિત રીતે પીઆઈઓને મોકલ્યું હતું. આ બંને સ્થળોની પસંદગી માટે લાંબી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં લગભગ પાંચ વર્ષ લાગ્યા હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત યુનિટની સંગઠનાત્મક રચના અંગેની માહિતી પણ લીક થઈ હોવાનો દાવો છે. તેમાં ચાર પાયલોટ અને 180 એરમેનની ટીમ એકસાથે અનેક ડ્રોન ઓપરેટ કરી શકે છે તેવી સંવેદનશીલ વિગતો સામેલ હોવાનું તપાસમાં જણાવાયું છે.
મામલો માત્ર દસ્તાવેજો સુધી સીમિત રહ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આરોપ મુજબ સભરવાલે ખાનગી ડિજિટલ ડિવાઇસથી એક્સરસાઇઝ વિસ્તારમાં ડ્રોન ટ્રાયલ દરમિયાન થયેલા ફાયરિંગનું રેકોર્ડિંગ પણ કર્યું હતું.
ગુપ્ત માહિતી લીક થયા બાદ સંબંધિત બંને ઓપરેશનલ સ્થળો તેમના મૂળ હેતુ માટે બિનઉપયોગી બની ગયા હોવાનો તપાસમાં દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી તપાસ એજન્સીઓ દ્વારા લીક થયેલી માહિતી, ડિજિટલ પુરાવા અને કથિત સંપર્કોની વધુ તપાસ કરવામાં આવી રહી છે.








