દેશમાં ઘરેલુ રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા પરિવારોને વિકલ્પ આપવા સરકાર હવે PNG કનેક્શનને પ્રોત્સાહન આપતી નવી યોજના લાવી રહી છે. સરકારનો હેતુ દેશભરના વધુમાં વધુ ઘરો સુધી પાઇપલાઇન મારફતે સસ્તો, સ્વચ્છ અને સુરક્ષિત ગેસ પહોંચાડવાનો છે.
સરકારની આ નવી ઈન્સેન્ટિવ સ્કીમ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવવાની છે. યોજનામાં મળતી પ્રોત્સાહન રકમ PNG વિતરણ કરતી કંપનીઓને મળશે, પરંતુ તેનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવાનો હેતુ છે.
PNG કનેક્શન હોવાથી લોકોને દર 20-22 દિવસે LPG સિલિન્ડર બુક કરાવવાની જરૂરિયાત નહીં રહે. પાઇપ દ્વારા સતત ગેસ મળતો હોવાથી સિલિન્ડર અચાનક ખતમ થઈ જવાની સમસ્યા પણ નહીં રહે. સરકારના જણાવ્યા મુજબ LPGની સરખામણીમાં PNG વધુ સસ્તું પણ સાબિત થઈ શકે છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ PNG કનેક્શનનો વ્યાપ વધારવાનો છે. નવા વિસ્તારોમાં PNG નેટવર્ક ઊભું કરવા ઉપરાંત કનેક્શન મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે.
હાલ દેશમાં આશરે 1.74 કરોડ ઘરેલુ PNG કનેક્શન છે. નવી યોજના હેઠળ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓને નવા વિસ્તારોમાં નેટવર્ક વધારવા તેમજ નિષ્ક્રિય કનેક્શનોને ફરી ચાલુ કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
સરકારની આ પહેલથી આગામી સમયમાં વધુ પરિવારોને LPG સિલિન્ડરના બદલે પાઇપલાઇનથી સીધો રસોઈ ગેસ મળી શકે છે અને ઘરેલુ ગેસ વ્યવસ્થામાં મોટો ફેરફાર આવી શકે છે.








