30 સપ્ટેમ્બર સુધી બાયોમેટ્રિક અપડેટની સુવિધા, વાલીઓએ સમયમર્યાદા પહેલાં કરાવવું પડશે કામ
5થી 17 વર્ષના બાળકોના આધાર કાર્ડમાં જરૂરી બાયોમેટ્રિક માહિતી અપડેટ કરાવવા માટે વાલીઓને મોટી રાહત મળી છે. UIDAI દ્વારા 30 સપ્ટેમ્બર 2026 સુધી બાયોમેટ્રિક અપડેટ મફતમાં કરવાની સુવિધા આપવામાં આવી છે.
આ અભિયાન હેઠળ બાળકોની ઉંમર વધવાની સાથે આધાર કાર્ડમાં જરૂરી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવામાં આવી રહી છે. UIDAIએ દેશભરની 1.56 લાખ શાળાઓ સુધી અભિયાન પહોંચાડ્યું છે. અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ બાળકોનું બાયોમેટ્રિક અપડેટ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
વાલીઓ શાળાઓમાં યોજાતા વિશેષ કેમ્પમાં બાળકોનું આધાર અપડેટ કરાવી શકે છે. નિયમ મુજબ બાળક 5 વર્ષનું થાય ત્યારે અને ત્યારબાદ 17 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે.
નાની ઉંમરે બાળકોના ફિંગરપ્રિન્ટ સહિતના બાયોમેટ્રિક સંપૂર્ણ વિકસિત ન હોવાથી ઉંમર વધ્યા બાદ તેને અપડેટ કરવામાં આવે છે. જો સમયસર બાયોમેટ્રિક અપડેટ ન કરવામાં આવે તો આધાર આધારિત પ્રમાણીકરણ જરૂરી હોય તેવી કેટલીક સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
આથી વાલીઓએ 30 સપ્ટેમ્બર 2026ની સમયમર્યાદા પહેલાં બાળકોનું બાયોમેટ્રિક અપડેટ કરાવી લેવું હિતાવહ છે.









